સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે આનંદના સમાચાર છે. બંને જિલ્લા માટે સાબર યુનિવર્સિટી સ્થાપવામાં આવશે. આ માટે બંને જિલ્લાના રાજકીય આગેવાનો અને ચુંટાયેલા ધારાસભ્યો એક સાથે રાજ્ય સરકારને રજૂઆત કરશે. સાબર યુનિવર્સીટી સ્થાપવા માટે હિંમતનગરમાં સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સંકલ્પ દીવ દમણ અને દાદરાનગર તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે લેવડાવ્યો હતો. સ્થાનિક ધારાસભ્યના અભિવાદન સમારોહ દરમિયાન તેઓએ જિલ્લાના આગેવાનોને આ માટે સંકલ્પ લેવડાવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓને રાહત થાય.
વિસ્તારના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના કામકાજ માટે પાટણ સુધી ધક્કા ખાવા પડતા હોય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમામ આગેવાનોને એક થવા માટે થઈને હવે સ્થાનિક સ્તરે યુનિવર્સિટી સ્થાપવા માટેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ માટે સ્થાનિક નેતાઓ અને આગેવાનો એક થઈને યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે પ્રયાસ કરશે.
દીવ દમણ, દાદરાનગર અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલે હિંમતનગરના ભરચક ટાઉનહોલમાં આ સંકલ્પ લેવડાવ્યો હતો. હિંમતનગર તાલુકાના વિકાસ માટે તેઓએ એક બ્લ્યૂ પ્રિન્ટ તેઓએ રજૂ કરી હતી. જેમાં સૌથી અગ્રિમતામાં યુનિવર્સિટી સ્થાપવા માટે આપી હતી. હિંમતનગરમાં ધારાસભ્ય વીડી ઝાલાનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રફુલ પટેલ કાર્યક્રમમાં મુખ્ય સ્થાને હતા. આ દરમિયાન લોકોની વિકાસ પ્રત્યેની અપેક્ષાને લઈ તેઓએ એક બ્લૂ પ્રિન્ટ સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યે કરવા માટે રજૂ કરી હતી. જેનાથી વિસ્તારનો વિકાસ પૂરપાટ દોડવા લાગશે. અગાઉ વર્ષ 2007 થી 2012 દરમિયાન હિંમતનગરની કાયાપલટ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર એ જ રસ્તે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર અને તાલુકાનો વિકાસ તેજ બનાવવામાં આવશે.
તેઓએ કહ્યુ હતુ કે, આ કામ બાકી રહેવાનુ મને ખૂંચતુ હતુ, પરંતુ હવે તેના પુરુ કરવા માટેનો સંકલ્પ કર્યો છે. આ માટે તમામ રીતે પ્રયાસ કરીશ. જે માટે આગેવાનો અને ધારાસભ્ય વીડી ઝાલાએ સૌએ એક થઈને પ્રયાસ કરવાનો છે. પ્રફુલ પટેલે કહ્યુ હતુ કે, વિદ્યાર્થીઓની સરળતા માટેના કાર્ય માટે પોતે 24 કલાક હાજર છે. આ માટે તમામ શક્ય પ્રયાસ કરવામાં આવશે. હવે અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાના વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનુ સુખ મળે એ માટે તેઓએ વિશેષ જવાબદારી સ્વરુપ આ સંકલ્પ લેવડાવ્યો હતો. જેના થકી બંને જિલ્લાના વિદ્યાર્થીઓને હવે પાટણ સુધીના લાંબા ધક્કાઓનો અંત આવી શકશે.
આ સાથે જ હિંમતનગર માટે હુડા લાગુ કરવા માટે તેઓએ કહ્યુ છે. હુડાના લાગુ થવાથી શહેરનો વિકાસ ઝડપી બનશે. અગાઉ સ્થાનિક 11 ગામોના વિરોધ બાદ હુડાને સ્થગિત કરવામાં આવ્યુ હતુ. અને 11 ગામને હુડાથી બહાર કરી દેવામાં આવ્યા હતા. હવે ફરી એકવાર હુડાની માંગ છેલ્લા કેટલાક સમયથી થવા લાગી છે. કેટલાક વિકાસ વિગ્ન રાજકીય આગેવાનોએ હુડાને લઈ લોકોને ભડકાવીને હુડાને રદ કરવા માટે આંદોલન કર્યા હતા. બાદમાં આજ રાજકારણીઓએ હુડા વિના સસ્તી રહેલી જમીનો ખરીદી લઈ નફો કરવાની શરુઆત કરતા ખેડૂતો અને સ્થાનિક શ્રેષ્ઠીઓએ વિકાસ માટે હુડાને લાગુ કરવા માટે વિનંતી કરી હતી.
આમ હવે ફરી એકવાર હુડાને લાગુ કરવા માટે અને શહેરના રુંધાયેલા વિકાસને ફરી પાટે ચડાવવા માટે પ્રયાસ કરવામાં આવશે. હુડાને કારણ શહેરનો વિકાસ યોગ્ય રીતે થવા સાથે ખેડૂતોના સમૃદ્ધી આણવાનો કાર્ય થશે. આ સિવાય ખેતી માટે ગુહાઈ અને ધરોઈની કેનાલો પૂર્વ અને પશ્વિમ બંને પટ્ટાઓમાં માળખુ વ્યવસ્થિત રીતે રચી ખેતરે ખેતરે પાણી સિંચાઈ માટે પહોંચે એ માટે પણ સંકલ્પ આપ્યો હતો.