
રોજ બરોજ અવનવા કિસ્સાઓ ગઠીયાઓની કરામતના સામે આવતા હોય છે. સાબરકાંઠા ના હિંમતનગરમાં બે બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ ગઠિયાઓ સવાર સવારમાં એક વૃદ્ધા સાથે છેતરપિંડી આચરી ગયા હતા. વહેલી સવારે 7 વાગ્યાના અરસા દરમિયાન મંદિરે જવા નિકળેલા 67 વર્ષીય વૃદ્ધાને પહેલા બે શખ્શો સામે મળ્યા હતા. બંનેના મોંઢે માસ્ક બાંધેલા હતા અને તેઓએ વૃદ્ધાને પોતાની પાસે બોલાવ્યા હતા. જ્યાં બંનેએ તેમને બતાવ્યુ કે, કલેકટરનો ઓર્ડર છે, દાગીના પહેરી જાહેર રસ્તા પર નિકળવુ નહીં. આમ કરી વૃદ્ધાને પોતાની વાતોમાં લઈને દાગીના ઉતરાવી લઈ છેતરપિંડી આચરી હતી.
હિંમતનગર શહેરના પંચદેવ મંદિર નજીકથી પસાર થવા દરમિયાન બે વ્યક્તિઓએ મહિલાને પોતાની નજીક બોલાવ્યા હતા. મોંઢા પર માસ્ક લગાવેલા બંને શખ્શોએ પોતાની ઓળખ ક્લેકટર કચેરીથી આવતા હોવાનુ બતાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, કલેકટરનો આદેશ છે જાહેર રસ્તા પર આમ દાગીના પહેરીને ફરી શકાય નહીં. બંગડીઓ અને સોનાના ઘરેણાં અહીં કાઢીને થેલામાં રાખી દો એવી વાત હિન્દીમાં કરી હતી.
ચાલતા જઈ રહેલા એક ભાઈને બોલાવીને આ જ વાત એમને પૂછી બતાવી હતી, તેઓએ પણ એવુ જ કહેલ કે હા મે પણ સોનાના દાગીના નિકાળી દીધા છે. તે પણ તેમનો જ મળતીયો હતો. જેથી વૃદ્ધા વિશ્વાસમાં આવી ગયા હતા. વૃદ્ધાની સોનાની 7 તોલાની સોનાની 6 નંગ બંગડીઓ, એક તુલસીની માળા 55 હજાર રુપિયાની અને વિંટી-2 નંગ મળીને પાંચેક લાખ રુપિયાના દાગીના નિકાળી દીધા હતા. જેને એક રુમાલમાં મુકવા જતા તેમણે અટકાવીને કાગળમાં મુકવાનુ કહીને તેનુ પડીકુ વાળી તેમને આપેલ. જે પડીકુ આગળ જોઈ શંકા જતા ખોલીને જોતા તે નકલી હોવાનુ જણાઈ આવ્યુ હતુ.
હિંમતનગર શહેરના એ ડિવીઝન પોલીસે ફરીયાદ નોંધીને બે બાઈક પર સવાર થઈને જતા રહેલા 3 શખ્શોના વિરુદ્ધ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. વૃદ્ધ મહિલાએ સોનાના દાગીના ગુમાવતા પોલીસ ફરીયાદ નોંધાવ્યા બાદ ઈન્ચાર્જ પીઆઈ જેએમ પરમારે આરોપી શખ્શોની શોધખોળ શરુ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…