
ઉત્તર ગુજરાત (North Gujarat) અને રાજસ્થાનના વિસ્તારમાં વરસાદી માહોલને લઈને સ્થાનિક જળાશયોમાં નવી આવકો નોંધાઈ છે. સાબરકાંઠા, મહેસાણા, અને અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતા ધરોઈ જળાશય (Dharoi Dam) માં પણ પાણીની આવક નોંધપાત્ર રહી છે. રાત્રી દરમ્યાન જ 10 MCM થી વધુ જળ જથ્થો ધરોઈ ડેમના જળાશયમાં વધ્યો છે. શામળાજી (Shamlaji) ના મેશ્વો જળાશયમાં પણ પાણીની આવક વહેલી સવાર થી નોંધાતા રાહત સર્જાઈ છે.
ઉત્તર ગુજરાતના જળાશયો ચોમાસની શરુઆતે તળીયા ઝાટક હતા. ખેડૂતો અને લોકોના જીવ પણ ઉંચા હતા. કારણ કે વરસાદ પર જ હવે પિવાના પાણીનુ સંકટ ટળે એમ હતુ. આ પ્રમાણે જ વરસાદ તેના નિયમીત સમય થી યોગ્ય રીતે વરસતા જળાશયોમાં નવી આવકો નોંધાઈ હતી અને જેને લઈ રાહત સર્જાઈ છે.
ખેડૂતો અને શહેરી વિસ્તારના લોકો હાલમાં ધરોઈ, ગુહાઈ, માઝૂમ અને મુક્તેશ્વર જેવા જળાશયોની સ્થિતી પર વરસાદમાં સતત જાણકારી માટે નજર રાખતા હોય છે. આવા જળાશયોમાં નોંધાતી આવક જ આગામી વર્ષનુ પિવાના પાણીનુ સંકટ શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ટાળતુ હોય છે. તો ખેડૂતોને સિંચાઈ માટે રાહત સર્જાતી હોય છે.
ધરોઈમાં મંગળવારે 3000 ક્યુસેકની આવક નોંધાઈ રહી હતી. જે બુધવારે સવારે 12 હજાર ક્યુસેકની આવકે પહોંચી છે. આ પહેલા મધ્યરાત્રી દરમિયાન 6 હજાર અને બાદમાં 9 હજાર ક્યુસેકની આવક નોંધાવવા લાગી હતી. આમ સતત આવકમાં નોંધપાત્ર રીતે વધારો નોંધાવા લાગતા ધરોઈ જળાશયમાં પાણીના જથ્થામાં મધ્યરાત્રી બાદ એક ટકા જેટલો વધારો થયો હતો. જ્યારે રાત્રી દરમિયાન 10 એમસીએમ જેટલો નવો જળ જથ્થો ઉમેરાયો હતો. હાલમાં ધરોઈમાં બુધવાર સવારે 11 કલાકની સ્થિતી મુજબ 45.69 ટકા પાણીનો કુલ જથ્થો નોંધાયો છે. જે મંગળવારે સવારે 43.65 ટકા જેટલો હતો.
શામળાજીમાં આવેલા મેશ્વો જળાશયમાં રાજસ્થાન વિસ્તારમાં વરસાદ વરસવાને લઈને પાણીની નવી આવક નોંધાઈ છે. અહીં વહેલી સવારથી પાણીની નવી આવક શરુ થઈ હતી. બુઘવારે સવારે 4 કલાકે 500 ક્યુસેક આવક નોંધાઈ હતી, ત્યાર બાદ 5 કલાકે 1300 ક્યુસેક અને સવારે 11 કલાકે છેલ્લા ત્રણ કલાક થી 2 હજાર ક્યુસેકની આવક જળવાઈ રહી હતી. આમ એક એમસીએણ જેટલો નવો જળ જથ્થો મેશ્વો જળાશયમાં ઉમેરાયો હતો. હાલમાં જળાશયમાં 52.48 ટકા પાણીનો જથ્થો સવારે 11 કલાક મુજબ સંગ્રહ થયેલો છે. જ્યારે માઝૂમ જળાશયમાં 300 ક્યુસેકની આસપાસ આવક નોંધાઈ હતી. વાત્રકમાં 175 ક્યુસેક આવક નોંધાઈ હતી.
આ જળાશયમાં આવકની બાબતમાં મોટેભાગે નિરાશા રહેતી હોય છે. ગુહાઈ જળાશયના કેચમેન્ટ એરિયાને લઈને જળાશયની ડીઝાઈનને લઈ અહીં પાણીની આવકમાં સમસ્યા રહેતી હોય છે. આ જળાશય પર જોકે હિંમતનગર શહેર અને આસપાસના અનેક ગામડાઓ નિર્ભર છે. ગુહાઈ જળાશયમાં સવારે 4 વાગ્યે 623 ક્યુસેક આવક નોંધાઈ હતી. જે સવારે 11 કલાકે 200 ક્યુસેક રહી હતી. હાલમાં ગુહાઈની સ્થિતી 21.88 ટકા જળ જથ્થો ધરાવે છે. હાથમતી જળાશયમાં 250 ક્યુસેકની આવક થઇ છે. હરણાવમાં રાત્રી દરમિયાન 1600 ક્યુસેક આવક રહી હતી. જળાશય 65 ટકા જળ જથ્થો ધરાવે છે.
Published On - 12:03 pm, Wed, 10 August 22