
પોલીસે વ્યાજખોરોની ધાકધમકીઓને ખતમ કરવાનુ અભિયાન શરુ કર્યુ છે. વ્યાજખોરોએ ધાક ધમકી આપીને પૈસા વસુલવાની પદ્ધતી સામે હવે ફરિયાદો નોંધાવવાનો દૌર શરુ થયો છે. પોલીસ દ્વારા સામેથી વ્યાજખોરોથી પિડીતોને આગળ આવવા માટે અપિલ કરવામાં આવી રહી છે અને આ માટે સાબરકાંઠા માં લોકદરબાર એસપી વિશાલકુમાર વાઘેલાની ઉપસ્થિતીમાં યોજવામાં આવી રહ્યા છે. આ સ્થિતીમાં કેટલાકની આંખમાંથી પોતાની રજૂઆત કરતા નિકળી રહ્યા છે. હિંમતનગર વિસ્તારમાં આવી 3 જુદી જુદી પોલીસ ફરીયાદો નોંધીને વ્યાજખોરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ છે.
હિમતનગરમાં નોંધાયેલા ત્રણેય ગુનાના ફરીયાદીઓની વાત સાંભળો તો કાનમાંથી કિડા ખરે એવી ગાળો તો સહન કરી જ છે, પરંતુ વ્યાજની રકમ મૂળ રકમ કરતા બમણા જ નહીં ત્રણ ગણા વસુલ કરી રહ્યા છે. એક કિસ્સામાં 10 હજારની રકમ સામે 33 હજાર રુપિયા વ્યાજ વસુલ કરી ચુક્યા છે. તો 35 હજાર સામે 54 હજાર રુપિયા વ્યાજ વસુલ કરીને પણ 2 લાખ રુપિયા રકમ હિસાબની બાકી હોવાનુ જણાવી ઉઘરાણી થઈ રહી છે. આવા કિસ્સાઓને લઈ એસપીએ સામે આવેલી ફરિયાદોમાં ગુના દાખલ કરાવી કાર્યવાહી કરાવી છે.
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતા એક બહુરુપીયા પરિવારને વ્યાજખોરોનો ખૂબ ત્રાસ સહવો પડ્યો છે. દશુ નથ્થુ રબારી અને સુરજસિંહ ઉર્ફે સુરેશ દિલીપસિંહ પરમાર નામના બે શખ્શોએ વ્યાજની રકમની ઉઘરાણી કરવામા ત્રાસ ગુજારવામાં કોઈ કસર બાકી રાખી નથી.
ફરીયાદી મુજબ તેઓએ દશુ રબારી પાસેથી પ્રથમ 10 હજાર રુપિયા લીધા હતા. જેની સામે 33 હજાર રુપિયા તેણે વ્યાજ વસુલ કર્યુ હતુ. ત્યાર બાદ 35 હજાર રુપિયા આપ્યા હતા. જેની સામે 54 હજાર વ્યાજ વસુલ કર્યુ હતુ. તેમ છતાં વ્યાજનો હપ્તો ચુકવવામાં ચુક થાય તો દશુ અને સુરજસિંહ ઘરે જઈ બેફામ ગાળો આપતા. જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપતા રહેતા હતા. તો વળી આ વ્યાજના હપ્તા ચુકવવા છતા રુપિયા 2 લાખ હિસાબમાં બાકી હોવાનુ કહી ઉઘરાણી કરતા રહેતા હતા. જેને લઈ હિંમતનગર બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓ સામે કાર્યવાહી શરુ કરી છે.
જામળા ગામની મહિલાએ હિંમતનગર બી ડિવઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મહેતાપુરા નો હર્ષ ઉર્ફે અક્કુ નથ્થુભાઈ દેસાઈ નામનો વ્યાજખોર પરેશાન કરી રહ્યો હતો. આરોપી હર્ષ દેસાઈએ વ્યાજ સાથે પૈસા વસુલ કર્યા બાદ પણ બાકી રકમ બતાવી ઉઘરાણી ચાલુ રાખી હતી. આરોપી હર્ષ પાસેથી મહિલાના પતિએ ઉંચા વ્યાજે પૈસા લીધા હતા. ખાનગી નોકરીમાંથી ગુજરાન કરતા યુવકને 50000 રુપિયાની રકમ વ્યાજે લીધા બાદ કુલ 67,200 રુપિયા ચુકવી દીધા બાદ પણ 48 હજાર રુપિયાની રકમ બાકી હોવાનુ બતાવ્યુ હતુ. ત્યારબાદ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી રહ્યો હતો.
આરટીઓ સર્કલ વિસ્તારના એક યુવકે આરોપી કિરપાલસિંહ રહે ગાંભોઈ અને સની બાપુ રહે ચાંદરણીનાઓ પાસેથી 2 મહિનાના વાયદે 50 હજાર રુપિયા વ્યાજે લીધા હતા. આ માટે 10 ટકા વ્યાજ ગણીને વ્યાજના રુપિયાના એડવાન્સ કાપી લઈ 40 હજાર રુપિયા રોકડા આપ્યા હતા. જેના બદલામાં યુવક પાસેથી ચેક અને બુલેટ પણ જમા લઈ લીધુ હતુ. પરંતુ વાયદા પાળવામાં મોડુ થતા યુવકની કાર પણ આરોપીઓએ પડાવી લીધી હતી. ત્યારબાદ પેનલ્ટી સાથે રુપિયા 1.10 હજાર રુપિયા હિસાબ ચુક્તે કરવાની ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ઘમકીઓ આપી હતી.
દશ હજાર એડવાન્સ વ્યાજ કાપી મોંઘા દાટ વાહનો પડાવી લેવાના આ કિસ્સામાં ગાંભોઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આોપીઓને ઝડપી પાડવા માટે એસપી વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ ત્રણેય ફરીયાદોમાં આરોપીઓને આકરી સજા થાય એમ તપાસ હાથ ધરાઈ છે.
Published On - 11:35 am, Thu, 12 January 23