સાબરકાંઠા ના હિંમતનગરના રેલેવે સ્ટેશનની મુલાકાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા. અમદાવાદ-ઉદયુપર વાયા હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઈન શરુ થયા બાદ હવે સુવિધાઓમાં વધારો કરવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી રહી છે. હિંમતનગર ખાતે મંગળવારે મુંબઈ થી વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અમિતકુમાર મિશ્ર આવી પહોંચ્યા હતા. તેઓએ નવા રેલેવે સ્ટેશનની સ્થિતી જોઈને સ્થાનિક અધિકારીઓની ઝાટકણી નિકાળી હતી. પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને નવી સાધન સામગ્રીની જાળવણીના અભાવને લઈ અમદાવાદ DRM ના અધિકારીઓને ખખડાવી મુક્યા હતા.
હિંમતનગર થઈને પસાર થતી ઉદયપુર અમદાવાદ-અસારવા રેલવે લાઈનને આગામી દિવસોમાં ઈલેક્ટ્રિક લાઈન સાથેની સુવિધા ધરાવતી બનાવવામાં આવશે. એટલે કે આગામી દિવસોમાં વિજળીથી ચાલતી ટ્રેન અમદાવાદ-ઉદયપુર વચ્ચે ઝડપથી શરુ કરવા માટેની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ માટે હિંમતનગર રેલવે સ્ટેશનને ખૂબ જ મહત્વનુ ગણાવ્યુ હતુ.
જનરલ મેનેજરે રેલવે સ્ટેશનના એક એક ખૂણામાં રુબરુ જઈને નિરીક્ષણ કર્યુ હતુ. રેલવે સ્ટેશન બિલ્ડીંગના તમામ રુમોમાં જઈને તમામ ચિજોનુ પણ નિરીક્ષણ કર્યુ હતુ. કોમ્પ્યુટર અને અન્ય ઉપકરણોને સ્ટોર રુમમાં મુકી રાખવાને લઈ જનરલ મેનેજરે ઝાટકણી નિકાળી હતી. આ ઉપરાંત ખુલ્લામાં પડી રહેલા મોંઘાદાટ કિંમતી કેબલને જોઈને જ તેઓ ભડકી ઉઠ્યા હતા.
જવાબદાર અધિકારીને સૌની વચ્ચે જ ઝાટકતા સંભળાવી દીધી હતી કે, કઈ ચિજ માટે તમને પોસ્ટીંગ કરવામાં આવ્યા છે. આ જ તો કામ કરવાનુ છે કે, સરકારી ખર્ચાઓને બચાવવાના છેય. શા માટે આમ કેબલ ખુલ્લામાં છોડી દીધા છે. ગરમીમાં કેબલ ખરાબ થાય અને નવા કેબલની ખરીદી કરવાની આવુ જ કામ કરવાનુ છે. આ સિવાય અન્ય કેટલીક ક્ષતિઓ અને ખર્ચ વધારતી ગેરવાજબી સલાહો પર પણ ભડક્યા હતા અને અધિકારીઓને ખખડાવ્યા હતા. બંધ રુમની ચાવી ના મળી તો તાળુ તોડીને અંદર શુ અને કેવા પ્રકારનો સામાન છે એ પણ ચેક કર્યુ હતુ.
હાલમાં હિંમતનગર રેલવે સ્ટેશનને હવે આધુનિક બનાવવાની કામગારી કરવામાં આવશે. હિંમતનગરના રેલવે સ્ટેશનને અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ માટે રેલવે સ્ટેશનને ખુબ જ આધુનિક બનવવામાં આવશે. પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવા ઉપરાંત મુસાફરોને વધુ સગવડો પ્રાપ્ત થાય એ માટેનો પ્રયાસ કરવામાં આવશે. બિલ્ડીંગમાં પણ કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવશે. આ માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે. અમિતકુમારે આ માટે અધિકારીઓને જરુરી સૂચનો આપ્યા હતા.
સ્થાનિક રેલવે પેસેન્જર્સ એસોસિયેશન દ્વારા જનરલ મેનેજરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ટ્રેનનુ સ્ટોપેજ જે બે મિનિટ માટે રાખવામાં આવેલુ છે, જેને વધારવામાં આવે. આ અંગે પણ અમિતકુમારે તેને 2 થી વધારીને 3-4 મિનિટ કરવા અંગે રિવ્યૂ કરવાનુ જણાવ્યુ હતુ. આમ આવનારા દિવસમાં સ્ટોપેજનો સમય લાંબો થઈ શકે છે. તેમજ તેઓએ રજૂઆત કર્તાઓને બતાવ્યુ હતુ કે, હજુ અહીં ટ્રેક ડબલીંગ કરવામાં પણ આવી શકે છે. આ માટેની વિચારણા ચાલી રહી છે.