ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકડાઉનનો નિર્ણય ન લેવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના પુત્રના લગ્ન હોવાની વાતોએ સોશિયલ મીડિયામાં જોર પક્ડયું હતું. ત્યારે આખરે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ટ્વીટ કરી પોતાના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. લગ્ન અંગે કોઈ આયોજન ન આવવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતાં લખ્યું કે ‘ મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે’.
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. કોરોનાના સંક્રમણ બેકાબૂ બનતા હાઈકોર્ટના નિર્દેશ બાદ લોકોને હતું કે લોકડાઉન લાગશે પણ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે મે મહિનામાં મુખ્યપ્રધાનના દીકરાના લગ્ન હોવાથી લોકડાઉન આપવામાં નહીં આવે. જો કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા ન્યૂઝ ફેક છે. જેની પુષ્ટી મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાતે જ કરી છે.