
Rajkot: જિલ્લામાં નોંધાયેલી 344 કલીકનીક પૈકી પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે 136 ક્લીનીકની સરપ્રાઇઝ વીઝીટ રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની 28 ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જેમાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે ચેકલીસ્ટમાં ત્રણ નોંધાયેલ ક્લીનીકમાં એફ ફોર્મ ભરવામાં તથા રજીસ્ટર મેઇન્ટેન કરવા જેવી ક્ષતિ જોવા મળતાં આ ક્ષતિ 48 કલાકમાં સુધારવાની નોટીસ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આપવામાં આવી છે. જો આપેલ મર્યાદામાં આ ક્ષતિ દૂર નહી થાય તો નિયમાનુસાર કડક પગલા લેવામાં આવશે તેવું જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.
જિલ્લામાં પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અન્વયે જાતિ પરિક્ષણ અને ભ્રૃણ હત્યા રોકવા માટે સલાહકાર સમિતિની ટીમના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખાની ટીમ કાર્યરત છે. જેનાથી દીકરા- દીકરીનો સેકસ રેશિયો મેન્ટેન રહી શકશે. ગર્ભમાં બાળકની જાતિ પરિક્ષણ ન કરાવવા, આવુ કરનાર દવાખાના કે ડોકટરની જાણ આરોગ્ય શાખાને કરવા પણ લોકોને અપીલ જિલ્લા વિકાસ અધિકારીએ કરી છે. કોઇ ક્ષતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તી ઝડપી પાડવાના ઉદેશ સાથે ઉપરાંત રાજકોટ શહેર અને જિલ્લામાં 1 હજાર પુરુષ વસ્તીએ સ્ત્રીઓનો દર ઉંચી લાવવાના હેતુસર કાર્યવાહી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હાલમાં CSR મુજબ ગુજરાતનો સેક્સ રેશિયો 919 છે, અને રાજકોટનો સેકસ રેશિયો 905 છે. આ સેકસ રેશિયોમાં વધારો કરવા અને જાતિય પરિક્ષણની પ્રવૃતી ડામવા આ સ્થળ તપાસણી કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : આરોગ્ય વિભાગની કાર્યવાહી, ડીસામાં 3 ડૉક્ટરના સોનોગ્રાફી મશીન કરાયા સીલ, જુઓ Video
અગાઉ મહેસાણા અને બનાસકાંઠામાં પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લાના અનેક સ્થળો પર બેફામ રીતે ગર્ભ પરીક્ષણ થતું હોવાની વાત સામે આવતાં તંત્ર હરકતમાં આવ્યું અને આરોગ્ય વિભાગે ગર્ભ પરીક્ષણની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિને રોકવા વિવિધ 14 જેટલા ડૉક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કર્યા હતા. જેમાં મહેસાણામાં 3, કડીમાં 3, વિજાપુરમાં 3, વિસનગરમાં 2, સતલાસણામાં 2 અને ઊંઝામાં 1 તબીબને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યા હતા.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો