પોતાની જાતને ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી ગણાવનાર સિંચાઇ વિભાગના નિવૃત રમેશ ફેફરના (ramesh fefar ) કરતૂતનો પર્દાફાશ કરવા આજે વિજ્ઞાન જાથાની ટીમ તેના ઘરે પહોંચી હતી. વિજ્ઞાન જાથાની ટીમને જોઇને રમેશ ફેફરે પોતાનું ઘર અંદરથી બંધ કરી દીધું હતું. વિજ્ઞાન જાથાને રાક્ષણ ગણાવ્યા હતા. થોડા સમય માટે ટીમ અને રમેશ ફેફર વચ્ચે બોલાચાલી થઇ હતી.
રમેશ માનસિક રોગી, સારવાર માટે રજૂઆત કરાશે-જાથા
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, રમેશ માનસિક રીતે રોગી છે. તે જે વાતો કરે છે તે અંધશ્રધ્ધા ફેલાવતી વાતો છે. જેને લઇને આજે પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાશે અને તેનો કબ્જો લઇને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જઇને તેની સારવાર કરવામાં આવે તેવી માંગ કરાશે.
વરસાદ-દુકાળ પોતાના હાથમાં હોવાની ડંફાશ
વિગ્નાન જાથાની ટીમને જોઇને રમેશ ફેફરે પોતાનો વાણી વિલાસ શરૂ કર્યો હતો. પોતે વિષ્ણુના અવતાર છે અને બાકીના બધા રાક્ષસો છે તેવું કહીને પૃથ્વી પર સૌ રાક્ષસોના સંહાર કરશે તેવી ડંફાશ મારી હતી. કોરોના રાક્ષસોના સંહારનું શસ્ત્ર હોવાની પણ ડંફાશ મારી હતી.વરસાદ અને દુષ્કાળ પોતાના હાથમાં હોવાનો દાવો કરીને મંત્ર તંત્રના ઢોંગ પણ રમેશ ફેફરે કર્યા હતા.
પરિવારજનો પણ ત્રાસી ગયા છે
રમેશ ફેફરના પરિવારજનો પણ તેનાથી ત્રાસી ગયા છે. તેના પત્નિએ તેની વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેની આવી કરતૂતથી ત્રાસી જઇને તેનો પુત્ર પણ તેનાથી અલગ રહે છે. આ શખ્સ અત્યારે તેના ઘરે એકલો રહે છે. પોતાના ઘરની બહાર પોતે કલ્કી અવતાર હોવાનું બોર્ડ પણ લગાવ્યુ છે.