રાજકોટ વીડિયો : જંગલેશ્વર વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર 7 કરતા વધારે શ્વાને કર્યો જીવલેણ હુમલો, બાળકીનું મોત

સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ ખરેખર ગંભીર બની રહ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઘરની નજીક રમતી એક ચાર વર્ષની બાળકી પર સાતથી આઠ જેટલા શ્વાન એકસાથે તૂટી પડ્યા છે. શ્વાનના ટોળાએ બાળકીના ગળા, મોં, હાથ, પગ અને પીઠના ભાગે બચકા ભર્યા હોવાનું સામે આવી છે.

રાજકોટ વીડિયો : જંગલેશ્વર વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર 7 કરતા વધારે શ્વાને કર્યો જીવલેણ હુમલો, બાળકીનું મોત
Rajkot
| Updated on: Dec 05, 2023 | 12:07 PM

ક્યારેક રખડતા ઢોરની અડફેટે મોત થયાની ઘટના સામે આવે છે તો ક્યાંક શ્વાનનો જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવે છે. સૌરાષ્ટ્રના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ ખરેખર ગંભીર બની રહ્યો છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઘરની નજીક રમતી એક ચાર વર્ષની બાળકી પર સાતથી આઠ જેટલા શ્વાન એકસાથે તૂટી પડ્યા છે.

શ્વાનના ટોળાએ બાળકીના ગળા, મોં, હાથ, પગ અને પીઠના ભાગે બચકા ભર્યા હોવાનું સામે આવી છે.કોઈ જંગલી પશુની જેમ શ્વાનની ટોળકીએ ખતરનાક હુમલો કર્યો છે.આસપાસના લોકો બચાવે તે પહેલા તો શ્વાને બાળકીનો જીવ લઈ લીધો છે. ફૂલ જેવી માસૂમ ચાર વર્ષીય બાળકીએ ઘટનાસ્થળે જ તડપી-તડપીને જીવ ગુમાવ્યો છે.આ દુર્ઘટનાને પગલે બાળકીના પરિવારજનો સહિત આસપાસના લોકોમાં આક્રોશ ફેલાયો છે.

 

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ખુલ્લા વોકળાના કારણે મોટી સંખ્યામાં શ્વાન એકઠા થાય છે.અહીં આસપાસના લોકો વધેલુ ભોજન ફેંકી જતા હોય છે. જેથી મોટી સંખ્યામાં શ્વાન સતત અડીંગો જમાવે છે.અહીંથી સ્કૂલે જતા-આવતા બાળકો કે એકલ-દોકલ પસાર થતા લોકોને પણ રીતસરનો ડર લાગે છે.શ્વાનના ત્રાસ અંગે સ્થાનિકોએ કોર્પોરેટર અને રાજકોટ મનપાના જવાબદાર અધિકારીઓનું વારંવાર ધ્યાન દોર્યું છે.પરંતુ અધિકારીઓને તો લોકોની પીડાની પડી જ ક્યાં છે.

રાજ્યના મહાનગરોમાં શ્વાનના સંકટનો પડકાર ગંભીર છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા હોય કે સુરત બધે સ્થિતિ સરખી છે. રાજકોટમાં તો એક પણ રસ્તો અત્યારે એવો નથી જ્યાંથી પસાર થતા વાહન ચાલકો કે રાહદારીઓના સ્વાગતમાં ‘ડાઘીયો’ શ્વાન ઉભો ન હોય ! રાજકોટ મનપા ખસીકરણના નામે વર્ષે મોટી રકમ ખર્ચે છે.પરંતુ પરિણામ મળતું નથી.લોકોના મતે RMCના શ્વાનના રસીકરણના દાવામાં જરાય દમ નથી.એટલે જ શ્વાનની સંખ્યા ઘટવાને બદલે સતત વધતી જાય છે.

રાજકોટ મનપાએ ખસીકરનું કામ કોન્ટ્રાક્ટરોને સોંપ્યું છે.પરંતુ કોન્ટ્રાક્ટરો કાગળ પર જ કામગીરી કરીને રૂપિયા લેતા હોવાનો લોકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.તંત્રની નિષ્ક્રિયતાને જોતા લાગે છે કે રાજકોટવાસીઓએ રખડતા શ્વાનથી ડરી-ડરીને જ જીવવું પડસે.RMCના જવાબદાર પદાધિકારીઓ કે અધિકારીઓને શ્વાનનો ત્રાસ ઘટાડવામાં જરા પણ રસ હોય તેમ લાગતું નથી.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો