Rajkot : અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ (ISKCON Bridge) પર તથ્ય પટેલે અકસ્માત સર્જીને 9-9 લોકોના જીવ લઈ લીધા બાદ રાજ્ય પોલીસવડાના આદેશથી રાજ્યભરમાં પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને બેફામ રીતે કાર ચલાવતા ચાલકો વિરૃદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક સાયકલ લઈને જતી કિશોરીને આ PSIએ અડફેટે લીધી હતી. યુનિવર્સિટી પોલીસે આ PSIની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો Rajkot: રાજકોટ જિલ્લા ભાજપમાં ભડકો, સહકારી સંસ્થામાં દખલગીરી બદલ તાલુકા ભાજપ પ્રમુખની હકાલપટ્ટી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પોલીસકર્મી લક્ષ્મીનારાયણ વ્યાસ ભુજ પોલીસમાં વાયરલેસ વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર ઘટનાની વાત કરતા ભોગ બનનાર કિશોરીના ભાઈ અદિત ચૌહાણ જણાવે છે કે તેઓ અકસ્માત સ્થળની પહેલા દ્વારકાધીશ હોટેલ પાસે તેના મિત્રો સાથે બેઠા હતા ત્યારે જ આ કાર ત્યાંથી નીકળી હતી અને જે રીતે આ કાર ચાલી રહી હતી તે જોઈને લાગતું જ હતું કે આ આગળ જતા કોઈને અડફેટે લેશે.
ત્યારબાદ થોડીવારમાં તેની 17 વર્ષીય બહેનનો ફોન આવ્યો કે તેને એક કાર ચાલકે અડફેટે લીધી છે. જેથી અદિત અને તેના મિત્રો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જો કે તેની બહેનને સદનસીબે કોઈ ગંભીર ઇજા નહોતી પહોંચી. માત્ર કોણીના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. પરંતુ સવાલ એ થાય છે કે જો ભોગ બનનાર દીકરીને ગંભીર ઇજા પહોંચી હોત અથવા આ કાર ચાલક પોલીસકર્મીએ અન્ય લોકોને અડફેટે લીધા હોત તો?
પીએસઆઇએ અકસ્માત સર્જીને ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને ભાગવા નહોતા દીધા અને મેથીપાક પણ ચખાડયો હતો. બાદમાં તેણે પોતે પીએસઆઈ હોવાનો રૌફ પણ જમાવવાની કોશિશ કરી હતી. ત્યાં સુધીમાં યુનિવર્સિટી પોલીસ પહોચી જતા પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
જો કે હાજર લોકોના જણાવ્યા મુજબ યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી કરી હતી. ફરિયાદીની માગ છે કે પોલીસકર્મી વિરૃદ્ધ સસ્પેન્શન સુધીના પગલાં લેવાવા જોઇએ. જોવાનું રહેશે કે આ પોલીસકર્મી વિરૃદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થાય છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:22 pm, Sun, 30 July 23