રાજકોટમાં બનેલી અકસ્માતની ઘટના, આ ઘટના ખરેખર અકસ્માતની નહિ પરંતુ ઇરાદાપૂર્વકની હત્યા હતી. કન્ટેનર ચલાવનાર શખ્સે પોતાની પત્નિ,બાળક અને યુવકની કન્ટેનર નીચે કચડીને હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક મહિલા પારુલ દાફડાને વર્ષોથી તેના પતિ સાથે ઘરકંકાસ ચાલતો હતો. આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી તેની સાથે કેટરિંગમાં કામ કરતા નવનીત વરુ નામના યુવક સાથે તેને પ્રેમસંબંધ થયો હતો. છેલ્લા વીસેક દિવસથી તે તેના પતિને મૂકીને તેના 12 વર્ષીય પુત્રને લઈને તેના પ્રેમી નવનીત વરુ સાથે રહેવા જતી રહી હતી.
આ વાત પારુલના આરોપી પતિ પ્રવીણ દાફડાને માફક ન આવતા તેણે 181 માં ફોન કરીને ફરિયાદ કરીને નવનીત નામનો શખ્સ તેની પત્નિને હેરાન કરે છે અને ભગાડી ગયો છે તેમ જણાવ્યુ. જેથી 181ની ટીમે પારુલ અને તેના પ્રેમી નવનીતને ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા અને પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમ્યાન પારૂલે પોલીસને જણાવ્યું કે તેના પ્રેમી તરફથી તેને કોઈ ત્રાસ કે બળજબરી નથી, તે પોતાની મરજીથી જ નવનીત સાથે રહેવા ગઈ છે. જેથી પોલીસે બંનેને પૂછપરછ કરીને જવા દીધા હતા. જેથી પ્રવીણની મરજી મુજબ ન થતાં તેનામાં બદલાની આગ સળગી અને તેણે તેની પત્નિ અને તેના પ્રેમીની હત્યા કરવાનું નક્કી કર્યું, એ પણ અકસ્માત લાગે એ રીતે.
આરોપી પ્રવીણ દાફડા નમકીનની કંપનીનું કન્ટેનર ચલાવતો હતો. તે કન્ટેનર લઈને જ તે આજીડેમ ચોકડી નજીક હાઇવે પર નવનીત અને પારૂલની રાહ જોતો હતો. આ દરમ્યાન નવનીત, પારુલ અને પોતાનો 12 વર્ષીય બાળક એક્ટિવા પર આવ્યા તેવા જ કન્ટેનરથી કચડીને પોતાની પત્નિ તેના પ્રેમી અને પોતાના બાળકની નિર્દયતા પૂર્વક હત્યા કરી નાખી.
સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તે અંગે ટીવી9 સાથે વાતચીતમાં જણાવતા એસીપી ભાવેશ જાધવે જણાવ્યું કે સમગ્ર ઘટનામાં આરોપીની પત્નિ અને બાળકનું તો ઘટના સ્થળ પર જ મોત નિપજયું હતું પરંતુ પ્રેમી નવનીત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જે દરમિયાન તેણે પોતાના મોટાભાઈ હિતેશ સાથેની વાતચીતમાં જણાવ્યું કે પારુલના પતિએ ત્રણેય પર કન્ટેનર ચડાવી દીધું હતું.
આ નિવેદન બાદ પોલીસે આરોપી પ્રવિણ દાફડાની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ થોડા સમય બાદ નવનીતનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પ્રવીણ પર બદલાનું ભૂત એ રીતે સવાર હતું કે તેણે પોતાની પત્નિ અને તેના પ્રેમીની સાથે સાથે પોતાના જ 12 વર્ષીય બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જેનો આ સમગ્ર ઘટનામાં કોઈ જ વાક નહોતો.
આ પણ વાંચો : Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video
આ સિવાય આરોપી પ્રવિણ અને મૃતક પારુલ અને એક અન્ય પણ 14 વર્ષીય પુત્ર છે જેણે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે અને પિતા જેલમાં જતા તે પણ અનાથની જેમ જીવન જીવવા મજબૂર થયો છે.