RAJKOT : નાકના મસાના ઓપરેશન બાદ યુવાનનું મોત, પરિવારજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો

|

Nov 29, 2021 | 5:10 PM

મૃતક યુવકના પરિવારજનો માંગ કરી રહ્યાં છે કે શાંતિ હોસ્પિટલમાં ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

RAJKOT : રાજકોટના યુનિવર્સિટિ રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલમાં ઓપરેશનમાં યુવાનનું મોત થયાની ઘટના સામે આવી છે. નાકના મસાનું ઓપરેશન માટે દાખલ યુવાનનું મોત નિપજ્યું છે.યુવાનના મોતના પગલે તેના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.ડોક્ટરની બેદરકારીએ મોત થયું હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે,ત્યારે ડોક્ટર ડૉ નિર્મળ મહેતાએ આક્ષેપનો રદીયો આપતા જણાવ્યું કે દર્દીનું હૃદય બંધ થઈ જતા મોત થયું છે.

રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી શાંતિ હોસ્પિટલમાં સાગર રબારી નામના 25 વર્ષીય યુવકનું આજે 29 નવેમ્બરે સવારે નાકના મસાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન પૂર્ણ થયા બાદ ગણતરીની મિનીટોમાં આ યુવાનનું મૃત્યુ થયું હતું. મૃતક યુવકના પરિવારજનોએ ડોક્ટરની બેદરાકરીને કારણે પુત્રનું મોત થયું હોવાના આક્ષેપ લગાવ્યાં છે, અને યોગ્ય ન્યાયની માંગણી કરી હતી.

આ મામલો એ હદે પહોચ્યો હતો કે મૃતક યુવકના પરિવારજનોએ શાંતિ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ સાથે મારામારી કરી હતી અને ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. બીજી તરફ શાંતિ હોસ્પિટલના ડો.નિર્મળ મહેતાએ યુવકના મોત અંગે ખુલાસો કર્યો હતો કે યુવકનું મોત હૃદય બંધ થઈ જવાના કારણે થયું છે. મામલો ઉગ્ર બનતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરી છે. મૃતક યુવકના પરિવારજનો માંગ કરી રહ્યાં છે કે શાંતિ હોસ્પિટલમાં ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો : વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીને રદ કરવાની અટકળો, કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો : રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે લોકસભા અધ્યક્ષને PM MODI અંગે લખ્યો પત્ર, જાણો શું છે સમગ્ર મામલો

Published On - 5:09 pm, Mon, 29 November 21

Next Video