Rajkot : હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદે (Rain) તો વિરામ લીધો છે પરંતુ તે બાદ જો કોઈ મોટી સમસ્યા હોય તો એ છે બિસ્માર રસ્તાઓ. રાજ્યના લગભગ તમામ મહાનગરોમાં આ સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય છે તો બીજી તરફ નેશનલ હાઇવે પર પણ ખૂબ જ બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ગામથી લઈને શાપર સુધી રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઇને સ્થાનિક લોકો અને વાહનચાલકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
મહાકાય ખાડાઓને લઈને TV9ની ટીમે મેઝર ટેપ દ્વારા ખાડાઓ માપ્યા હતા.જેમાં 5 ફૂટથી લઈને 7 ફૂટના મહાકાય ખાડાઓ જોવા મળ્યા,પારડી ગામના સરપંચ મહેશ માટિયાએ TV9 સાથેની વાતમાં જણાવ્યું હતું કે તેઓને ધારાસભ્યો અને સાંસદને અનેક વખત આ રસ્તાઓ અંગે રજૂઆત કરી છે પરંતુ કોઈ સમારકામ કરવામાં નથી આવતું. ગામડાના રસ્તાઓ હોય તે પ્રકારના આ નેશનલ હાઈવેના રસ્તાઓ છે.
પારડી ગામ બાદ શાપર ખાતે મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે. જેથી રાજકોટથી શાપર મોટી સંખ્યામાં લોકો અપડાઉન કરે છે. જેથી તેઓને સવારે જવાના સમયે એટલે કે 8 થી 10 વાગ્યા વચ્ચે અને સાંજે 5 થી 7 વાગ્યા વચ્ચે આ હાઇવે પર 3 થી 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગે છે.આ ઉપરાંત ગોંડલ,જેતપુર,જૂનાગઢ,પોરબંદર,સોમનાથ જવાનો આ મુખ્ય હાઇવે હોવાથી લાખો વાહન ચાલકો દિવસના અહીંયાથી પસાર થતા હોય છે.ઘણી વખત આ 3 થી 5 કિલોમીટરનું અંતર પસાર કરતા એક – એક કલાક જેટલો સમય વિતી જાય છે.
રાજકોટએ સૌરાષ્ટ્રનું મુખ્ય મથક છે અને સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ પણ રાજકોટમાં આવેલી છે જેથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જો કોઈને દર્દીને વધુ સારવારની જરૂર પડે તો તેને રાજકોટ ખસેડવામાં આવે છે. તેવામાં આ ટ્રાફિક જામના કારણે અનેક વાર દર્દીઓ ઇમરજન્સીમાં રાજકોટ મોડા પહોંચે છે અને સારવાર પણ મોડી મળે છે.આ ઉપરાંત આ ખાડાઓના કારણે અનેક વખત અકસ્માત સર્જાય છે અને ભરેલા હોય ત્યારે ખાડાઓનો અંદાજ ન આવતા માલવાહક વાહનો પલટી પણ મારી જવાના અનેક બનાવો સામે આવ્યા છે.ત્યારે સ્થાનિક લોકો અને અહીંયાથી પસાર થતા વાહન ચાલકો વહેલામાં વહેલી તકે આ રસ્તાનું સમારકામ થાય તેવી માગ કરી રહ્યાં છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:03 pm, Mon, 31 July 23