પોતાના દિવ્ય દરબારોથી દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા બાગેશ્વર ધામના(Bageshwar Dham) ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીના પહેલી વાર ગુજરાતમાં (Gujarat) દરબાર યોજાઈ રહ્યા છે.અમદાવાદ,સુરત અને રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર યોજાશે.જ્યારથી આ દરબાર યોજાવાની જાહેરાત થઈ છે ત્યારથી જ અનેક વિવાદ સામે આવી રહ્યા છે.કોઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરી રહ્યા છે તો કોઈ અંધશ્રદ્ધા ગણાવી વિરોધ કરી રહ્યા છે.
રાજકોટના જાણીતા સહકારી આગેવાન અને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના CEO પરષોત્તમ પીપળીયાએ પોતાના સોશિયલ મીડિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધમાં પોસ્ટ મૂકતા તમામ જગ્યાઓ પર ચર્ચા અને વિવાદ થયા હતા.પરંતુ આખરે પરષોત્તમ પીપળીયા અને બાગેશ્વર ધામ સમિતિ,રાજકોટ વચ્ચે સમાધાન થયું છે.
સહકારી આગેવાન પરષોત્તમ પીપળીયાએ ટીવી9 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમને સનાતન ધર્મનો કોઈ પણ જાતનો વિરોધ નથી.પરંતુ તેમના દરબારમાં ચિઠ્ઠીમાં લખવાની વાતો જેવી અંધશ્રદ્ધા ફેલાવતી વાતોથી વિરોધ છે. તેમણે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું પણ કહ્યું હતું કે”શું ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે તે કહેશે?”. આ અંગે વિવાદ સર્જાયો હતો અને પરષોત્તમ પીપળીયાને સોશિયલ મીડિયા અને ટેલીફોનીક ધમકીઓ પણ મળવાનું શરૂ થયું હતું.છતાં પણ તેમણે પિતાનું સ્ટેન્ડ યથાવત રાખવાનું જણાવ્યું હતું.
પરંતુ વિવાદ વધુ વકરતા બાગેશ્વર ધામ સમિતિ રાજકોટના યોગીન છનીયારા સહિતના આગેવાનોએ પરષોત્તમ પીપળીયા સાથે મુલાકાત કરી હતી અને આ અંગે ચર્ચા કરી હતી.ત્યારબાદ તેઓએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે પરષોત્તમ ભાઈ અધશ્રધ્ધા અંગે જે મુદ્દો ઉઠાવી રહ્યા છે તે અંગે અમે મુખ્ય બાગેશ્વર ધામ સમિતિના મુખ્ય ટ્રસ્ટીઓ અને સંયોજકોનું ધ્યાન દોર્યું છે.જેથી પરષોત્તમ ભાઈ પણ અમારી વાત સાથે સહમત છે અને આ વિવાદ અહીંયા પૂર્ણ થાય છે.આ અંગે પરષોત્તમ પીપળીયા સાથે tv9 એ વાત કરતા તેમણે આ વાતની ખરાઈ કરી હતી અને તેઓ પણ આ વાત સાથે સહમત થયા છે.
પરષોત્તમ પીપળીયા રાજકોટના ખૂબ જ જાણીતા સહકારી ક્ષેત્રના આગેવાન છે અને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટિવ બેંકના CEO છે.બાગેશ્વર ધામના દરબાર અંગે તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને લોકોને આ પ્રકારની અંધશ્રધ્ધામાં ન આવવા પણ અપીલ કરી હતી.તેમને મળેલી ધમકીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે મારવાનું હશે તો કોઈ પણ રીતે મોત આવશે તેઓ પહેલાથી જ બોનસ જીવી રહ્યા છે અને મોતથી તેઓ ડરતા નથી.
રાજકોટ સહિત ગુજરાત જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:03 pm, Fri, 19 May 23