સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં રાજ્યના સૌથી મહત્વના 4 શહેરોમાંનું એક છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોની વસ્તી વધારે હોય. જેથી ટ્રાન્સપોર્ટેશનની જરૂરિયાત પણ વધારે રહેવાની. રાજકોટ શહેરમાં RMC દ્વારા સંચાલિત સિટી બસ અને BRTS બસની સેવા કાર્યરત છે. શહેરના 150 ફૂટ રીંગરોડ પર માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી પરના એક માત્ર રૂટ પર BRTS બસો ચાલે છે. આ બસોમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. પરંતુ BRTS બસોમાં દરરોજ ભીડના દ્રશ્યો સર્જાય છે. BRTSનો ઉપયોગ કરતા લોકોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો થયો છે, પરંતુ બસોની સંખ્યા વધતી ન હોવાથી દરરોજ લોકો ભારે ભીડ વચ્ચે મુસાફરી કરે છે.
BRTS બસનો દરરોજ 25 થી 27 હજાર લોકો ઉપયોગ કરે છે. માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી રૂટ પર BRTS દોડે છે. સૌથી વધુ તકલીફ દરરોજ અપડાઉન કરતા લોકોને પડે છે અને તેમાં પણ સવારે ઓફિસ અને શાળા કોલેજ જવાના ટાઈમ પર અને સાંજે શાળા કોલેજ અને ઑફિસથી આવવાના ટાઈમ પર તો BRTS માં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. અનેકવાર એવુ બને છે કે લોકોને 2 થી 3 બસ ચિક્કાર ભીડ વાળી જવા દેવી પડે છે ત્યારબાદ આવનારી બસમાં માંડ ચડવાનો વારો આવે છે. Tv9 એ બસમાં મુસાફરી કરતા લોકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી દરરોજની આ જ પરિસ્થિતિ છે.
BRTSમાં થતી આ ભીડનો ફાયદો અનેકવખત લુખ્ખાઓ અને અસામાજિક તત્વો પણ ઉઠાવતા હોય છે. Tv9 સાથે વાત કરતા મહિલાઓએ જણાવ્યું હતું કે ભીડનો લાભ લઈને કેટલાક લોકો મહિલાઓને ખરાબ રીતે સ્પર્શ પણ કરી લે છે તેવી પણ ઘટનાઓ બને છે. આ ઉપરાંત લોકોના ખિસ્સા કપાવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. તો બીજી તરફ વૃદ્ધોને ચિક્કાર ભીડના કારણે ખૂબ જ મુશ્કેલી પડે છે. BRTSનું ભાડું સામાન્ય હોવાથી મોટી સંખ્યામાં લોકો BRTS નો લાભ લેવા માગતા હોય છે. પરંતુ ચિક્કાર ભીડના કારણે તેઓએ રિક્ષામાં ઊંચું ભાડું આપીને પણ જવાનો વારો આવતો હોય છે.
આ પણ વાંચો: Rajkot: પેલેસ રોડ પર થયેલી લાખોના દાગીનાની ચોરીનો ઉકેલાયો ભેદ, કારીગરે જ ફિલ્મી ઢબે આપ્યો હતો ચોરીને અંજામ
આ અંગે ટીવી9 સાથે વાત કરતા RMC ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે BRTS માં દરરોજ 25 હજારથી વધુ લોકો મુસાફરી કરે છે.હાલમાં 20 જેટલી BRTS બસો ચાલે છે.ભીડને ધ્યાનમાં રાખતા આવનારા દિવસોમાં BRTS બસોની સંખ્યા વધારવામાં આવશે.BRTS ને આવનારા દિવસોમાં વધુ ઈલેક્ટ્રીક બસો ફાળવવામાં આવનાર છે જે BRTS રૂટ પર દોડશે અને લોકોને ભીડમાં મુસાફરી નહિ કરવી પડે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 8:17 pm, Fri, 21 April 23