RAJKOT : વીરપુર જલારામ મંદિર જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 6 દિવસ બંધ રહેશે

|

Aug 27, 2021 | 3:38 PM

Virpur Jalaram Mandir : વીરપુર જલારામ મંદિરને ફરી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન વીરપુર જલારામ મંદિર 6 દિવસ બંધ રહેશે.

RAJKOT : સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ જલારામ બાપા મંદિર એટલે કે વીરપુર જલારામ મંદિરને ફરી કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન વીરપુર જલારામ મંદિર 6 દિવસ બંધ રહેશે. વીરપુર ખાતે આવેલું જલારામ મંદિર અને અન્નક્ષેત્ર આજે 27 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર એમ 6 દિવસ સુધી બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને ભીડ એકઠી ન થાય તે હેતુથી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જલારામ મંદિરના ગાદીપતિએ ભકતોને ઘરે રહી પ્રાથર્ના કરવા અપીલ કરી છે.

વીરપુર જલારામ મંદિર અગાઉ ગત માર્ચ મહિનામાં પણ કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યું હતું. હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન વિરપુર ખાતેના જલારામ મંદિરમાં પૂજ્ય બાપાના ભક્તોનો ઘસારો થવાની સંભાવનાને ધ્યાનમાં લઈને કોરોના સંક્રમણ ફેલાય નહિ તેની કાળજીને લઈને યાત્રાધામ વિરપુર જલારામ મંદિર મેનેજમેન્ટ દ્વારા તારીખ 27/03/21 થી તા. 30/03/21ત્રણ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગુજરાતની જનતા માટે વીરપુર જલારામ મંદિરનું અનેરું આકર્ષણ છે. ગુજરાતનાં જેટલા પણ સંતો મહાપુરૂષો થાય છે. તેમાંથી મોત ભાગના સંતો મહાપુરુષો સૌરાષ્ટ્રમાંથી જ થયા છે. જેમાં વિરપૂરના પૂજ્ય જલારામ બાપા તો વિશ્વ પ્રસિદ્ધ છે. “દેને કો ટુકડા ભલા , લેને કો હરિ કા નામ” અને “જ્યાં ટુકડો રોટલો,ત્યાં હરિ ઢૂકડો ” જેમાં ભોજનનો મહિમા ગવાયો છે. પૂજ્ય બાપની હયાતીમાં પણ તેને ભૂખ્યાઓને ભોજન આપ્યું હતું.અને તેના સમયમાં અનક્ષત્ર ચાલુ કર્યું હતું. જે આજે પણ અવિરત તેના વંશજો દ્વારા ચાલુ છે. 200થી વધારે વર્ષથી ચાલતુ અન્નક્ષેત્ર ભક્તો અને મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની દાન, ભેટ કે સોગાદ સ્વીકાર્ય વગર બે ટંકનું ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

આ પણ વાંચો : MEHSANA : પશુઆહાર મામલે દૂધસાગર ડેરીની સિદ્ધી, પશુઆહારની સૌથી ઓછી પડતર કિંમત ધરાવતી ડેરી બની

Next Video