રાજકોટ સમાચાર : શું નવા વર્ષના પહેલા દિવસથી જ રાજકોટના રસ્તાઓ બનશે રખડતાં ઢોર મુક્ત ? RMCએ ઢોર માલિકોને આપ્યુ અલ્ટીમેટમ

Rmc દ્વારા પણ આ ગાઇડલાઈનને ધ્યાનમાં રાખીને કડક નિયમો બનાવીને જાહેરનામું બહાર પાડ્યું હતું.જેનો અમલ કરવાનો સમય હવે ખૂબ જ નજીક છે અને RMC દ્વારા પશું માલિકોને આ માટે અંતિમ અલટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે.તો બીજી તરફ ઢોર માલિકોએ આ સમયગાળામાં વધારાની માગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

રાજકોટ સમાચાર : શું નવા વર્ષના પહેલા દિવસથી જ રાજકોટના રસ્તાઓ બનશે રખડતાં ઢોર મુક્ત ? RMCએ ઢોર માલિકોને આપ્યુ અલ્ટીમેટમ
Rajkot News
| Edited By: | Updated on: Dec 15, 2023 | 4:54 PM

છેલ્લા કેટલાક વર્ષોમાં રસ્તે રખડતાં ઢોર રાજ્યના મહાનગરોની મુખ્ય સમસ્યા રહી છે. અનેક લોકોએ રસ્તે રખડતાં ઢોરના કારણે જીવ ગુમાવ્યા છે.ત્યારે હાઇકોર્ટે પણ સરકારનો અનેકવાર આ સમસ્યાને લઈને ઉધડો લીધો છે. ત્યારે થોડા સમય પહેલા રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓ અને નગર પાલિકાઓ માટે રસ્તે રખડતાં ઢોર મુદ્દે ગાઈડલાઈન બહાર પાડી હતી.

જેમાં કડક નિયમો દર્શાવેલા હતા. ત્યારે Rmc દ્વારા પણ આ ગાઇડલાઈનને ધ્યાનમાં રાખીને કડક નિયમો બનાવીને જાહેરનામું બહાર પાડ્યું હતું.જેનો અમલ કરવાનો સમય હવે ખૂબ જ નજીક છે અને RMC દ્વારા પશું માલિકોને આ માટે અંતિમ અલટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ ઢોર માલિકોએ આ સમયગાળામાં વધારાની માગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

“1લી જાન્યુઆરીથી ઢોર પકડાશે તો કાયમી રૂપે જપ્ત કરાશે”: RMC

RMC દ્વારા ઢોર માલિકોને અંતિમ અલટીમેટમ આપી દેવામાં આવ્યું છે. જે ઢોર માલિકોએ પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવીને લાયસન્સ નથી કઢાવ્યું તેમણે Rmc એ 31 ડિસેમ્બર સુધીનો આખરી સમય આપ્યો છે.

31 ડિસેમ્બર સુધીમાં જે ઢોર માલિકોએ પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન અને લાયસન્સ નહિ કરાવ્યું હોય તેમના ઢોર Rmc દ્વારા જપ્ત કરી લેવામાં આવશે. આ ઉપરાંત જો રસ્તે રખડતાં ઢોર સિવાય ઢોર માલિકોની પોતાની જગ્યામાં હશે અને પરમીટ કઢાવી નહિ હોય તેવા ઢોર પણ Rmc દ્વારા જપ્ત કરી લેવામાં આવશે.

1લી જાન્યુઆરીથી પકડાયેલા ઢોર કાયમી રૂપે જપ્ત કરી લેવામાં આવશે.હાલની પરિસ્થિતિ મુજબ રાજકોટમાં શહેરમાં કુલ 12 હજાર ઢોર છે.જેમાંથી 4 હજાર ઢોરનું રજીસ્ટ્રેશન અને પરમીટ થયેલું છે.ત્યારે 3 હજાર જેટલા ઢોરનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન થયેલું છે.

હાલમાં શહેરમાં 2 હજાર જેટલા પશુઓ રજીસ્ટ્રેશન અને પરમીટ વગરના છે.તો 2 હજાર જેટલા ઢોરને માલિકોએ શહેરની બહાર ખસેડી લીધા છે.ત્યારે Rmc ના અધિકારીએ જણાવ્યું હતું કે પહેલી જાન્યુઆરીથી રાજકોટના રસ્તાઓ સંપૂર્ણ પણે ઢોર મુક્ત થાય તેવું RMCનું આયોજન છે.

માલધારી સમાજે ઉચ્ચારી આંદોલનની ચીમકી

તો બીજી તરફ ઢોર માલિકોએ મોટી સંખ્યામાં RMC ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.માલધારી સમાજના લોકોએ પોસ્ટર અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.ઢોર માલિકોએ જણાવ્યું હતું કે પહેલા ઢોર માલિકોને ઢોર માટે પૂરતી જગ્યા શહેરની બોર્ડર પર ફાળવો પછી આ પ્રકારના કાયદા લાવો,

આ ઉપરાંત ઢોર માલિકોએ પોતાની માલિકીની જગ્યામાંથી પણ પરમીટ વગરના પશુઓ Rmc જપ્ત કરશે તે નિયમનો વિરોધ નોંધાવ્યો હતો.અને પશુઓને રજીસ્ટ્રેશન અને પરમીટ કઢાવવા માટેના સમયમાં વધારો કરવાની પણ માંગ કરી હતી.

માલધારીઓ જણાવ્યું હતું કે આટલા ટૂંકા સમયમાં તેઓ શહેરની બહાર ક્યાં પોતાના પશુઓ લઈને જાય?આ ઉપરાંત માલધારી સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો Rmc દ્વારા ઢોર માલિકોની જગ્યામાંથી પશુઓ જપ્ત કરવામાં આવશે તો આવનારા સમયમાં માલધારી સમાજ ઉગ્ર આંદોલન કરશે.