જો આપ પાણીપુરી ખાવાના શોખીન છો, તો ચેતી જજો. Tv9 ગુજરાતીની ટીમે પાણીપુરી બનાવતા લોકોને ત્યાં રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જે જોઈને તમને ઝટકો લાગશે. TV9 એ રાજકોટમાં કરેલા સ્ટિંગ ઓપરેશનમાં ગંદકી અને આરોગ્ય સાથે ચેડાં થતાં હોવાનું સામે આવ્યું છે. આ પાણીપુરીની લારી ચલાવતા લોકો જે પાણીથી પૂરી બનાવે છે અને કેવી રીતે આ લોકો હજારો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે,તે જોઇને તમે પણ ચોંકી જશો.
પાણીપુરીની 7-8 લારી વાળા લોકો એક જ જગ્યાએ રહે છે અને એક જ જગ્યાએ પાણીપુરી બનાવતા હોય છે. આહીર ચોકમાં આ પાણીપુરી વાળા લોકો રહે છે, તે જગ્યાએ TV9 પહોચ્યું હતું અને ગ્રાહક બનીને પાણીપુરીનો ઓર્ડર આપવો છે તેમ જણાવી સ્ટિંગ ઓપરેશન કર્યું હતું.જ્યાં પાણીપુરી બને છે તે ડેલાની અંદર પહોચતા જે દ્રશ્યો સામે આવ્યા તે ચોંકાવનારા હતા.પાણીપુરીનું પાણી ચિક્કાર ગંદકી વચ્ચે બની રહ્યું હતું અને પાણી પણ એકદમ ગંદુ હતું.
સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ પાણી શૌચાલયના દરવાજાથી એકદમ અડીને બનાવવામાં આવી રહ્યું હતું. જે માખી મચ્છરો શૌચાલયમાં બેસે ત્યાંથી તે જ માખી મચ્છરો ઉડીને આ પાણીમાં બેસે છે. જેથી સમજી શકાય છે કે આનાથી કઈ રીતે રોગચાળો ફેલાઈ શકે છે.
પૂરી તળવા માટે આ લોકો પામોલિન દાઝિયા તેલનો ઉપયોગ કરે છે. જે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. RMC ના આરોગ્ય અધિકારી ડૉ જયેશ વાકાણીએ TV9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દાઝીયા તેલને કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે. જેને લઇને હ્રદયને લોહી પહોંચાડતી નડીઓ બ્લોક થઈ શકે છે અને જે આગળ જતાં હાર્ટ એટેકને નોતરી શકે છે.
પાણી ખાટું કરવા માટે આ લોકો લીંબુનો નહિ પણ લીંબુના ફુલનો ઉપયોગ કરે છે. લીંબુના ફૂલ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. ડૉ જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે લીંબુના ફુલ વાળી વસ્તુ આરોગવાથી એસિડિટી અને આંતરડાનાં રોગ થઈ શકે છે.
ફસ્ટફૂડમાં પાણીપુરીએ મોટાભાગના લોકોની ફેવરિટ હોય છે. શહેરમાં હજારો લારીઓ ઉભે છે અને મોજથી લોકો આ પાણીપુરી ખાતા હોય છે. રોજ રાજકોટવાસીઓ લાખો રૂપિયાની પાણીપુરી ખાતા હોય છે, પરંતુ આ પાણીપુરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. જેથી લોકોએ કોઈપણ જગ્યાએ લારી પર પાણીપુરી ખાતા પહેલા સ્વચ્છતા અંગે ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે અને RMCના અધિકારીએ પણ આવા પાણીપુરી વેચતા લોકોને અપીલ કરી છે કે તેઓ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરે. નહિતર આરોગ્ય વિભાગ દ્વારા આવા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.