RAJKOT : રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) એ પોતાના દિવંગત પુત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસની ઉજવણી બાલ સંગમ કાર્યક્રમનું આયોજન કરીને કરી હતી. જેમાં તેમણે ઝુંપડપટ્ટી,આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા બાળકોને ફનવર્લ્ડ ખાતે એકઠા કરીને બાળકોને આનંદ કરાવીને પૂજિત રૂપાણીના જન્મદિવસની ઉજવણી કરી હતી.વિજય રૂપાણી અને તેમના પત્નિ અંજલિબેન રૂપાણીએ આ બાળકોને ફનવર્લ્ડ ખાતે લઇ આવીને અલગ અલગ રાઇડ્સમાં આનંદ કરાવ્યો હતો અને ત્યારબાદ તેઓની સાથે જ ભોજન લીધું હતુ અને અલગ અલગ ગિફ્ટ આપીને બાળકોને ખુશ કરી દીધા હતા..આ કાર્યક્રમમાં બાળકોનું મનોરંજન પુરૂ પાડવા માટે તારક મહેતા ઉલટા ચશ્માના અંજલિભાભી ફેઇમ નેહા મહેતા અને જાણીતા લેખક આશુ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
દરેક બાળકમાં પૂજિતના દર્શન કરીએ છીએ : વિજય રૂપાણી
પોતાના દિવંગત પૂત્ર પૂજિત રૂપાણીના જન્મદિવસે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતુ કે છેલ્લા 25 વર્ષોથી આ કાર્યક્રમ કરીએ છીએ. ટ્રસ્ટ દ્વારા આ દિવસે ઝુંપડપટ્ટીના કચરો વિણતા હોય તેવા બાળકોને આનંદ પ્રમોદ કરાવીએ છીએ. અમે દરેક બાળકમાં પૂજિતના દર્શન કરીએ છીએ.આજના દિવસે બાળકોને ખુશ કરીને આ જ બાળકો સાથે ભોજન પણ લઇએ છીએ. આ બાળકોને ખુશ જોઇને અમને પણ ખુશી થાય છે.
વિજય અંકલ અને અંજલી આન્ટીંનું કામ સરાહનીય : નેહા મહેતા
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તારક મહેતા કા ઉલટા ચશ્માના અંજલિ ભાભી ફેઇમ નેહા મહેતાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને મનોરંજન પુરૂ પાડ્યું હતુ .આ કાર્યક્રમમાં ઉપસ્થિત નેહા મહેતાએ કહ્યું હતુ કે પૂજિતની સ્મૃતિમાં વિજય અંકલ અને અંજલિ આન્ટી ખૂબ સારુ કામ કરી રહ્યા છે.અન્ય લોકોને પણ આનાથી પ્રેરણા મળે છે.
પૂજિતના નામે ટ્રસ્ટ પણ ચાલે છે
પૂર્વ સીએમ વિજય રૂપાણીના દિવંગત પુત્રની સ્મૃતિમાં વિજય રૂપાણી દ્વારા સામાંકાઠા વિસ્તારમાં પૂજિત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે.આ ટ્રસ્ટ અનેક સેવાકીય પ્રવૃતિઓ કરે છે. ખાસ કરીને એવા બાળકો જેઓ પોતાની રીતે અભ્યાસ કરી શકતા નથી, તેવા આર્થિક રીતે નબળાં બાળકોને અભ્યાસ કરાવે છે.
આ પણ વાંચો : રાજકોટમાં ‘પોલીસ પુત્રી’ની પૂજા કરવામાં આવી, જાણો રાજકોટ પોલીસ અને નવરાત્રીની આ રસપ્રદ વાત