ગોંડલ ચોકડી બાદ રાજકોટના વધુ એક મહત્વના ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે, રાજકોટની જનતાને મળશે ટ્રાફિકની માથાકૂટમાંથી મુક્તિ

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવતા વાહનો માટે રાજકોટમાં પ્રવેશવા માટે માધાપર ચોકડી મુખ્ય પ્રવેશદ્વાર છે.આ ઉપરાંત મોરબી જવા માટે પણ આ ચોકડી પરથી જવાય છે.

ગોંડલ ચોકડી બાદ રાજકોટના વધુ એક મહત્વના ઓવરબ્રિજનું કામ પૂર્ણતાના આરે, રાજકોટની જનતાને મળશે ટ્રાફિકની માથાકૂટમાંથી મુક્તિ
| Edited By: | Updated on: Mar 09, 2023 | 7:21 PM

રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે. એજ્યુકેશન,વેપાર સહિતના ક્ષેત્રોમાં રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે. દિવસેને દિવસે રાજકોટ શહેર વિકસી રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે શહેરમાં વાહનોની અવરજવર પણ વધવાની. જેના કારણે ટ્રાફિક સમસ્યા પણ વધુ રહે છે. રાજકોટમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે છેલ્લા કેટલાક સમયમાં શહેરમાં ઘણા બધા ટ્રાફિક પોઇન્ટ પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા. છેલ્લે રાજકોટના સૌથી વધુ ટ્રાફિક ધરાવતી ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું અને છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સમયથી ભારે ટ્રાફિકનો સામનો કરી રહેલા રાજકોટ વાસીઓની સમસ્યા હળવી થઈ. ત્યારે જામનગર રોડ માધાપર ચોકડી પર બની રહેલા ઓવર બ્રિજનું કામ પણ હવે પૂર્ણતાના આરે છે. રાજકોટના સમાચાર અહીં વાંચો.

માધાપર ઓવરબ્રિજનું 80% કામ પૂર્ણ,એપ્રિલના અંતમાં બ્રીજ થશે તૈયાર

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી આવતા વાહનો માટે રાજકોટમાં પ્રવેશવા માટે માધાપર ચોકડી મુખ્ય પ્રવેશદ્વાર છે.આ ઉપરાંત મોરબી જવા માટે પણ આ ચોકડી પરથી જવાય છે.જેથી અહીંયા રોજના લાખોની સંખ્યામાં વાહનો પસાર થાય છે.જેના લીધે અહીંયા પણ ખૂબ જ ટ્રાફિક સમસ્યા રહે છે.માર્ગ અને મકાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ માધાપર ચોકડી ઓવરબ્રિજનું 80% જેટલું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.જામનગર તરફનો બ્રીજનો એપ્રોચ તૈયાર થઈ ચૂક્યો છે જ્યારે સાંઢીયા પુલ તરફના એપ્રોચનું કામ ચાલુ છે અને ત્યાર બાદ ઓવરબ્રિજની વચ્ચે ગર્ડર મૂકવાની કામગીરી થશે.જે કામગીરી પૂર્ણ થવામાં અંદાજે 45 દિવસ જેટલો સમય લાગી શકે છે.એટલે કે એપ્રિલ મહિનાના અંત અથવા મે મહિનાની શરૂઆતના અઠવાડિયામાં ઓવરબ્રિજનું કામ પૂર્ણ થશે અને ત્યારબાદ લોકાર્પણ થશે.60 કરોડના ખર્ચે માધાપર ચોકડી ઓવરબ્રિજ બની રહ્યો છે.

ઓવરબ્રિજ બન્યા બાદ માધાપર ચોકડીએ અંડર પાસ પણ બનશે

માધાપર ચોકડીએ ઓવરબ્રિજ બન્યા બાદ બ્રીજ નીચેથી અંડરપાસ પણ બનાવવામાં આવશે. ઓવરબ્રિજ સાંઢીયા પુલથી જામનગર રોડ પર બની રહ્યો છે. જ્યારે અંડરપાસ 150 ફૂટ રીંગ રોડથી મોરબી રોડ તરફ નીકળશે. એટલે કે માધાપર ચોકડીની ચારેય બાજુ જવા માટે અલગ અલગ રસ્તા હશે. જેથી ચોકડી પર વાહનો ભેગા નહીં થાય અને ટ્રાફિકની સમસ્યા હલ થશે. અંડર પાસ નું કામ ચાલુ થયાના ત્રણેક માસ જેટલા સમયમાં જ પૂર્ણ થઈ જશે. ગ્રીનલેન્ડ ચોકડી,ગોંડલ ચોકડી અને માધાપર ચોકડી રાજકોટમાં આવક – જાવકની મુખ્ય ચોકડી છે.ગ્રીનલેન્ડ ચોકડી અને ગોંડલ ચોકડી પર ઓવરબ્રિજ બની ચૂક્યા છે.હવે માધાપર ચોકડી પર પણ ઓવરબ્રિજ બની જતા શહેરના ત્રણેય મુખ્ય આવક જાવકની ચોકડીઓ પર ઓવરબ્રિજ હશે.