Rajkot: શહેરમાં ભારે ઉકળાટ બાદ આજે વરસાદ પડ્યો. આજે શહેરના ગોંડલ રોડ,ત્રિકોણ બાગ,ઢેબર રોડ,રેસકોર્ષ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાંપટાને કારણે થોડા સમય માટે તો ચોમાસા (Monsoon) જેવો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ પડતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે હાલમાં જ ગુજરાતમાં (Gujarat) પ્રિ મોન્સુન એક્ટિવિટી એક્ટિવ હોવાની આગાહી કરી હતી અને આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી હતી, જેના ભાગરૂપે આજે રાજકોટમાં ભારે ઉકળાટ બાદ સાંજના પાંચ વાગ્યે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી હતી.
એક તરફ તાઉતે વાવાઝોડાને કારણે કેરીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે, ત્યારે આ વખતે વહેલો વરસાદ થવાને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભિતી સેેવાઈ રહી છે. આ ઉપરાંત તલ,મગ સહિતના ઉનાળું પાકને પણ વરસાદી પાણીને કારણે નુકસાન થવાની ભિતી થઈ છે.
રાજસ્થાનમાં લો પ્રેશર થવાના કારણે ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મીની વાવાઝોડાનો (Cyclone) ખતરો તોળાઈ રહ્યો છે. દાહોદ, તાપી સહિતના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે તો પાટણ સહિતના વિસ્તારમાં તેજ ગતિથી પવન ફુંકાઈ રહ્યો છે. જેના પગલે લોકો ગરમીથી આંશિક રાહત અનુભવી રહ્યા છે.
આજે સૌરાષ્ટ્રમાં દરિયો તોફાની બની શકે છે તો નવલખી, જામનગર, કંડલા, ઓખા અને પોરબંદરમાં ભારે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છમાં 60 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયેન્ટથી સપાટી પરના પવનની ગતિમાં વધારો થયો છે. ગઈકાલે રાજકોટમાં પ્રતિ કલાક 40 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે જામનગરમાં 50 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો. જ્યારે મોરબીના માળિયામાં ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી.
આ વર્ષ ચોમાસું કેવું રહેશે તેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આ વર્ષ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ 25 તારીખથી પ્રિમોન્સુન એક્ટીવિટી પણ શરૂ થશે તેમ જણાવાયુ હતું તેમજ આગામી પાંચ દિવસોમાં તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેનાથી લોકોએ થોડી ઠંડક અનુભવી છે.