Rajkot : કોરોનાના કપરાં કાળમાં સૌથી વધારે ચિંતા સગર્ભા મહિલાઓની છે.બીજા સ્ટ્રેઇનમાં સગર્ભા મહિલાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટની સિવીલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દેવદૂત બનીને પોઝિટિવ સગર્ભા મહિલાઓને સારવાર આપે છે. એટલું જ નહિ આવી વિપરીત પરિસ્થિતિમાં પણ તેની પ્રસૃતા કરાવીને બે જીંદગીઓને નવજીવન આપે છે.
રાજકોટના ગાયનેક વિભાગના HOD ડો.કમલ ગોસ્વામીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું કે જ્યારે કોવિડની શરૂઆત થઇ ત્યારથી રાજકોટની કોવિડ હોસ્પિટલમાં નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા અને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્રારા સગર્ભા મહિલાઓની ટ્રિટમેન્ટ માટે કોવિડ વોર્ડ અને ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં 241 જેટલી સગર્ભા પોઝિટિવ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. જેમાંથી 91 સગર્ભાઓની સફળ પ્રસૃતા પણ કરાવવામાં આવી છે. જેમાંથી 57 નોર્મલ ડિલેવરી તથા 34 સિઝરીયન કરવામાં આવ્યા છે.સૌથી મહત્વની વાત એ છે કે આ 91 પ્રસૃતિ પૈકી માત્ર બે બાળકોને જ કોરોના પોઝિટિવ આવ્યો છે.
ડો.ગોસ્વામીના કહેવા પ્રમાણે આ માતાઓની પ્રસૃતિ થાય ત્યારબાદ બાળકને તેનાથી અલગ રાખવામાં આવે છે અને બાળકોની નિષ્ણાંત ડોક્ટર દ્વારા તેની કાળજી લેવામાં આવે છે.દિવસમાં નિયત સમયે માતાને વિડીયો કોલીંગની મદદથી બાળકને દેખાડવામાં પણ આવે છે.
સૌરાષ્ટ્રમાં પોઝિટિવ સગર્ભાઓની સારવાર મુશ્કેલ
કોરોના શરૂ થયો ત્યારથી પોઝિટિવ સગર્ભા મહિલાઓની સારવાર કરવી મુશ્કેલ બની છે.કોઇપણ સરકારી કે ખાનગી હોસ્પિટલો આ સારવાર કરતા ડરી રહ્યા છે. જેના કારણે પોઝિટિવ સગર્ભા મહિલાઓને રાજકોટ આવવું પડે છે. કેટલીક ખાનગી હોસ્પિટલો આવા કેસોની સારવાર કરે છે. પરંતુ તેની સામે તગડી ફી વસુલ કરે છે. જે સામાન્ય માણસને પરવડે તેમ નથી. ત્યારે તંત્ર દ્રારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઇ હોસ્પિટલ ,સંસ્થા આગળ આવે તો આવી સગર્ભા મહિલાઓને તેના શહેર ,ગામમાં સારવાર મળી રહે.
સગર્ભા મહિલાઓએ ખાસ આ તકેદારી રાખવી
સગર્ભા મહિલાઓએ કોવિડની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું.
જરૂરિયાત વગર બહાર ન જાવું.
જરૂર હોય તો નિયમીત ચેકિંગ
ફોન દ્રારા કરાવવું
ઘરમાં નાના બાળકો હોય તો તેને બહાર ન જવા દેવા તેનો ચેપ પણ અસર કરી શકે છે.
પ્રવાહી,લીકવીડ પુરતા પ્રમાણમાં લેવું.
કોઇ અસર જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો.