Rajkot: વધતા સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી, ત્રણ ગણા ભાવે ઈન્જેક્શનની ઉઘાડી લૂંટ, સરકારે કહ્યું કે ઓલ ઓકે

|

Apr 02, 2021 | 2:44 PM

રાજકોટમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. હોસ્પિટલોમાં એક ઈન્જેક્શનના રૂપિયા 5400 વસુલવામાં આવે છે જોકે શહેરના મેડિકલ સ્ટોરમાં એક ઈન્જેક્શનની કિંમત 1700 રૂપિયા નક્કી કરાઈ છે.

rajkotમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. હોસ્પિટલોમાં એક ઈન્જેક્શનના રૂપિયા 5400 વસુલવામાં આવે છે જોકે શહેરના મેડિકલ સ્ટોરમાં એક ઈન્જેક્શનની કિંમત 1700 રૂપિયા નક્કી કરાઈ છે. જોકે શહેરની વિવિધ મેડિકલ સ્ટોરમાં પણ પુરતા પ્રમાણમાં સ્ટોકની કમી સર્જાતા કેમિસ્ટ એસોસિએશને પુરતો સ્ટોક તેમને મળી રહે તે દિશામાં માગ કરી છે.

રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં કોરોનાના 223 નવા કેસ નોંધાયા છે જેમાં રાજકોટ શહેરના 179 અને જિલ્લાના 44 દર્દી સામેલ છે તો સારવાર બાદ 161 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જેમાં શહેરના 132 અને જિલ્લાના 29 દર્દી સામેલ છે. રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોનાના કારણે વધુ 12 પોઝિટિવ દર્દીઓના મોત થયાવી વિગતો પણ સામે આવી છે. વધતા જતા કેસ અને મોતના આંકડા તંત્ર માટે પડકાર રૂપ બની રહ્યા છે.

રાજકોટમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણપણે સજ્જ હોવાના તંત્રના દાવા વચ્ચે ચોંકાવનારી હકીકત સામે આવી છે ટીવીનાઈનના રિયાલિટી ચેકમાં પૂરતા બેડ હોવાના તંત્રએ કરેલા તમામ દાવા પોકળ સાબિત થયા છે.. શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલો હાઉસફુલ છે હોસ્પિટલમાં સારવાર માટે બેડને લઇને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જે હોસ્પિટલોમાં બેડ નથી તેમાં સ્ટાર સિનર્જી હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, વેદાંત હોસ્પિટલ, વોકહાર્ડ હોસ્પિટલ, ઓલમપસ હોસ્પિટલ, રંગાણી હોસ્પિટલ, કુંદન હોસ્પિટલ, જલારામ હોસ્પિટલ અને ક્રાઇસ્ટ હોસ્પિટલનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત તો એ છે કે કેટલીક હોસ્પિટલોએ રેમડેસિવિર ઈન્જેક્શનની અછત હોવાના કારણે દર્દીઓને એડમિટ કરવાના બંધ કરી દીધા છે. જિલ્લા વહીવટી તંત્રને હોસ્પિટલોમાં બેડ અંગેની ફરિયાદો મળવાની પણ શરૂઆત થઈ ચૂકી છે તંત્રના દાવા પ્રમાણે જિલ્લાની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં હજુ 817 બેડ ઉપલબ્ધ છે.

કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવાતા રોમડેસિવીર ઇન્જેક્શનનો પુરતો જથ્થો રાજ્યમાં ઉપલબ્ધ છે તેવી ખાતરી આપી છે ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ. તેમના કહેવા મુજબ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં ૧૩,૮૬૦ ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવેલા છે. જે પૈકી અમદાવાદમાં ૫૪૭૮ ઇન્જેક્શન, વડોદરામાં ૨૨૯૦ ઇન્જેક્શન, સુરતમાં ૧૮૫૨ ઇન્જેક્શન, રાજકોટમાં ૨૧૬ ઇન્જેક્શન, મહેસાણામાં ૪૧૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલું છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૯,૧૦૫ ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે. આમ કુલ ૩૨,૯૬૫ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ કરવામાં આવશે.

વધુમાં ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ.એચ.જી.કોશીયાએ જાહેર જનતાને મિડીયાના માધ્યમથી અપીલ કરી છે કે ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી.

Next Video