
અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનું આજે વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એક મહિના સુધી 15 ડિસેમ્બરથી શરૂ થઈ 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલશે. જેમાં લાખોની સંખ્યામાં પ્રમુખ સ્વામી મહારાજના ભક્તો અને BAPSના સ્વયંસેવકો અહીં પહોંચવાના છે. 600 એકરમાં ફેલાયેલુ પ્રમુખ સ્વામી નગરને 80 હજારથી વધુ સ્વયંસેવકોએ તૈયાર કર્યુ છે. દેશવિદેશના પ્રોફેશનલ્સ તેમા સામેલ થયા છે.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન મોદી તેમની વ્યસ્તતા વચ્ચે ત્રણ કલાકનો સમય કાઢી આ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યુ કે આ મારુ સૌભાગ્ય છે કે આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાક્ષી બનવાનો, સાથી બનવાનો અને સત્સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે.
અહીં જેટલો સમય મેં વિતાવ્યો મને લાગે છે અહીં દિવ્યતાની અનુભૂતિ છે. અને સંકલ્પોની ભવ્યતા છે અહીં આબાલ વૃદ્ધ દરેક માટે આપણી વિરાસત શું છે, આપણી ધરોહર, આપણી આસ્થા, આપણુ અધ્યાત્મ, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ શું છે આપણી પ્રકૃતિ શું છે આ તમામનો આ પરિસરમાં સમન્યવ છે. અહીં ભારતના તમામ રંગ જોવા મળે છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે આ અવસરે હું તમામ પૂજ્ય સંતગણોનો આ આયોજન માટે કલ્પના સામર્થ્ય માટે અને એ કલ્પનાને ચરિતાર્થ કરવા બદલ જે મહેનત કરવામાં આવી છે. એ દરેકની હું ચરણવંદના કરુ છુ. હ્રદયથી શુભેચ્છા પાઠવુ છુ અને પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદથી આટલુ મોટુ ભવ્ય આયોજન, એ દેશ અને દુનિયાને આકર્ષિત કરશે. એટલુ જ નહીં તે પ્રભાવિત કરશે અને આવનારી પેઢીઓને પ્રેરિત પણ કરશે. 15 જાન્યુઆરી સુધી સમગ્ર વિશ્વમાંથી લાખો લોકો મારા પિતાતુલ્ય પૂજ્ય પ્રમુખ સ્વામી પ્રતિ શ્રદ્ધા વ્યક્ત કરવા માટે અહીં આવવાના છે.
તમારામાંથી કદાચ અનેક લોકોને ખબર હશે કે યુ.એન.માં પણ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી સમારોહ મનાવવામાં આવ્યો છે. આ પુરાવો છે એ વાતનો કે તેમના વિચારો કેટલા શાસ્વત છે, કેટલા સાર્વભૌમી છે. આપણી મહાન પરંપરા સંતો દ્વારા પ્રસ્થાપિત વેદથી વિવેકાનંદ સુધી જે ધારાને પ્રમુખ સ્વામી જેવા મહાન સંતોએ આગળ વધારી તે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના આજે શતાબ્દી સમારોહમાં દર્શન થઈ રહ્યા છે.
Published On - 8:05 pm, Wed, 14 December 22