Porbandar : વણકર સમાજના સ્મશાનમાં કોઈએ ગેરકાયદેસર દીવાલ ચણી, લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવાની માગ

|

Jun 08, 2021 | 10:12 PM

આ મામલે પોરબંદર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ આજે સ્મશાનમાં ધરણા યોજી અનોખો કાર્યક્રમ કરવા જતા પોલીસે 6 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

Porbandar : પોરબંદરના સોનાપુરી હિન્દુ સ્મશાનમાં આવેલા વણકર સમાજ (Vankar Community) ના સ્મશાનમાં કેટલાક તત્વોએ ગેરકાયદે પેશકદમી કરી દીવાલ ચણી દીધી હોવાની વાત સામે હતી. જેથી દલિત આગેવાનોએ દીવાલ દૂર કરી સ્મશાનની જગ્યા ખુલી કરવા અને લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આવેદન પાઠવ્યું હતું.

બાબુ પાંડાવદરા (અગ્રણી દલિત સમાજ) જણાવે છે કે, પોરબંદરમાં અનુસૂચિત જાતિનું હિન્દૂ સ્મશાન આવેલ છે. તેમાં કોઈ અસામાજિક તત્વો અને ભુ-માફિયાઓ કોઈ કારણોસર દીવાલ બનાવી છે તે દૂર કરવા અને જમીન ખુલ્લી કરવા અમે તંત્રને આવેદન આપવાના છીએ. 100 વર્ષથી અમારો સમાજ અહીં અંતિમ વિધિ કરે છે. જે પણ આ સામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી માગ છે.

પોરબંદર જિલ્લા કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ આજે સ્મશાનમાં ધરણા યોજી અનોખો કાર્યક્રમ કરવા જતા પોલીસે 6 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે સમગ્ર મામલે પાલિકા પ્રમુખ સામે આક્ષેપ કરી અને સ્મશાનની જગ્યા પર હોટલ બનાવવાનો આક્ષેપ કર્યો હતો.

નાથાભાઈ ઓડેદરા (પ્રમુખ જિલ્લા કોંગ્રેસ) જણાવે છે કે, બાળકોની સ્મશાન વાળી જગ્યા પર પાલિકા પ્રમુખ અને માથભારે શખ્સોએ ગેરકાયદે પ્રવૃત્તિ કરી છે અને સ્મશાનની જગ્યા પર ગેરકાયદે દીવાલ કરી છે અને હોટેલ બનાવવા માંગે છે જેનો અમો વિરોધ કરવા આવ્યા છીએ. પોલીસે અમારી અટકાયત કરી છે અમે અમારી લડત ચાલુ રાખીશું.

સ્મશાન મામલે દલિત આગેવાનોએ પાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર પાઠવ્યું છે. જેમાં પાલિકાએ યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. હાલ તો દલિત સમાજ અનુસૂચિત જાતિના હક્ક માટે લડત લડી દીવાલ દૂર કરવાની માગ કરી રહ્યા છે તો કોંગ્રેસ પણ સમગ્ર મામલે પાલિકા પ્રમુખ પર આક્ષેપ લગાવી રહ્યા છે. સત્ય હકીકત શું છે તે તપાસનો વિષય બની ગયો છે.

Next Video