NARMADA : કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા-નર્મદા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન શ્રીમતી સ્મૃતિ ઈરાની દ્વારા આ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.
સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદપૂજા કરીને ભાવાંજલી અર્પી હતી. આ મુલાકાત દરમ્યાન કેન્દ્રીય રાજયમંત્રી ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા, ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, રાજયમંત્રી વિભાવરીબેન દવે,કેન્દ્રીય સચિવ પાંડે અને રાજ્યના સચિવ કે.કે.નિરાલા, SOUDTGA ના CEO રવિ શંકર સાથે જોડાયા હતા.
SOU સહીત વિવિધ આકર્ષણોની નિહાળ્યા
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાની પાદ પૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી.
તેમણે રાજ્યના મહિલા અને બાળકલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવે સાથે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લીધી હતી અને સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે લોન્ચ કરવામાં આવેલા ‘FM 90 Radio Unity’ રેડિયો સ્ટેશનની મુલાકાત લીધી હતી.
Visited ‘FM 90 Radio Unity’ – a community Radio Station recently launched at Kevadia @souindia as an initiative under ‘Azadi Ka Amrit Mahotsav’. pic.twitter.com/vARE7MxoTT
— Smriti Z Irani (@smritiirani) August 30, 2021
SOU લોકશાહી માટે નાગરિકતાના માર્ગનો પ્રેરણાસ્ત્રોત : સ્મૃતિ ઈરાની
સરદાર સાહેબને ભાવાંજલિ આપતા મુલાકાત પોથીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ નોંધ્યું કે, જ્યારે દેશનો પ્રત્યેક નાગરિક સરદાર સાહેબને અનુસરવાની પ્રેરણા લેશે ત્યારે મજબૂત,સંવેદનસભર અને ધબકતા રાષ્ટ્રની પરિકલ્પના પૂર્ણ થશે.સ્ટેચ્યુ ઓફ યુનિટી એ માત્ર સ્મારક નથી તે વિશ્વની સૌથી યુવાન લોકશાહી માટે નાગરિકતાનાં માર્ગનો પ્રેરણાસ્ત્રોત છે, તેની છત્રછાયામાં મુક્તિ અને ગર્વની અનુભૂતિ થાય છે,એકતામાં શ્રેષ્ઠતાનું તે સાચા અર્થમાં ઉત્તમ પ્રતિક છે.સરદાર સાહેબને મારી હાર્દિક વંદના.