હાર્દિક પટેલ (Hardik Patel) ના કોંગ્રેસ (congress) માંથી રાજીનામા અને ભાજપ (BJP) માં જોડાવાની અટકળો અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવા (MP Mansukh Vasava) એ કહ્યું, સી.આર.પાટીલ (CR Patil) જે નિર્ણય કરશે તે જ ફાઇનલ રહેશે. મનસુખ વસાવાએ કહ્યું કે હાર્દિક પટેલ શક્તિશાળી યુવા નેતા છે. હવે હાર્દિક પટેલે નિર્ણય લેવાનો છે કે કઈ પાર્ટીમાં જવુ. હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે નહીં તે ગુજરાત પ્રદેશ ભાજપ નિર્ણય લેશે. વરુણ પટેલે આપેલા નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે વરુણ પટેલથી પાર્ટી ચાલતી નથી. સી.આર.પાટીલ જે નિર્ણય કરશે તે જ ફાઇનલ રહેશે. ઘણા કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ભાજપમાં જોડાયા છે હજુ પણ જોડાવાના છે.
હાર્દિકના રાજીનામા પર ભાજપ નેતા વરુણ પટેલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું કે, ભાજપનો કાર્યકર મૌન છે માયકાંગલો નથી. ભાજપના કાર્યકરોએ જે પ્રમાણે ભાઈની સામે સંઘર્ષ કરેલો છે તે જોતા કાર્યકરો ભાઈનો સ્વીકાર કરે એવું મને લાગતું નથી. ભાજપમાં જોડાવાની ચર્ચા સંપૂર્ણ પાયા વગરની લાગે છે.બાકી જેને જયાં જવું હોય ત્યાં જઈ શકે છે.
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરિટ પટેલે હાર્દિક પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ કહ્યું હતું કે કોઇ એકના જવાથી પક્ષને કોઇ ફરક નથી પડતો. તેમજ સમાજ કોઇ એક વ્યકિત પાછળ નથી દોરાતો. આ ઉપરાંત હાર્દિક પટેલની આગળની રણનીતી સામે કોંગ્રેસ બીજી રણનીતિ નક્કી કરશે. તેમજ હાલમાં હાર્દિક પટેલે ભાજપમાં જોડાવા મામલે કોઇ પૃષ્ટી કરી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજકારણ અને પ્રેમમાં બધુ જ સંભવ છે.