Mucormycosis Case In Gujarat : કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસથી પ્રજા પરેશાન, કેસનો આંકડો 5 હજાર નજીક પહોંચ્યો

|

Jun 03, 2021 | 1:54 PM

કોરોનાની બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ગુજરાતમાં ભરડો લીધો છે. મ્યુકોરમાઇકોસિસના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે.

Mucormycosis case in gujarat : કોરોનાની (Corona) બીજી લહેર બાદ મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ગુજરાતમાં ભરડો લીધો છે. મ્યુકોરમાઇકોસિસના કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં મ્યુકોરમાઈકોસિસે કેર વર્તાવ્યો છે. ગુજરાતમાં છેલ્લા 72 કલાકમાં દર બીજા કલાકે મ્યુકોરમાઈકોસિસથી 1 દર્દીનું મોત થયું છે.

મ્યુકોરમાઇકોસિસથી છેલ્લા 72 કલાકમાં 35 લોકોના મૃત્યું થયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 4 હજાર 978 દર્દીમાં નોંધાયા છે. જે પૈકી 231 લોકો મ્યુકોરમાઇકોસિસ સામે જંગ હાર્યા છે. કેન્દ્ર સરકારને મોકલવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં કુલ 4 હજાર 26 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે ગુજરાતમાં માત્ર 721 દર્દીઓ જ સાજા થયા છે.

ભારતમાં મ્યુકોરમાઇકોસિસના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જોકે, કોરોનાના કુલ કેસના પ્રમાણમાં મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસ દર્દીઓનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળ્યું છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 5 હજાર 713 કેસ નોંધાયા છે. જેમાંથી 474 દર્દીઓનાં મૃત્યુ થયા છે, જ્યારે 3 હજાર 929 દર્દીઓ સારવાર હેઠળ અને 1 હજાર 310 દર્દીઓ સાજા થઈને ઘરે ગયાની માહિતી ઉપલબ્ધ થઈ છે.

મહારાષ્ટ્ર બાદ હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોરોનાને હંફાવનારા નાગરિકોમાં પણ ફંગસ આધારિતના મ્યુકોરમાઇકોસિસ કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે.

સુરતમાં મ્યુકોરમાઈકોસિસથી વધુ એક દર્દીનું અવસાન થયું છે. કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીનું મૃત્યું થયું છે. મ્યુકોરમાઇકોસિસ કેસને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીની આંખ કાઢવામાં આવી છે, જ્યારે 9 દર્દીની સર્જરી કરવામાં આવી છે અને સ્મીમેરમાં 2 દર્દીની સર્જરી કરવામાં આવી છે.

દાખલ દર્દીઓની વાત કરીએ તો સિવિલમાં 141, સ્મીમેરમાં 53 અને ખાનગી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલમાં 62 દર્દીઓ સારવાર હેઠળ છે. સુરતમાં કુલ 565 દર્દીઓએ મ્યુકોરની સારવાર લીધી છે. જ્યારે 30 લોકોનાં અત્યાર સુધી મૃત્યું થયા છે.

Published On - 1:47 pm, Thu, 3 June 21

Next Video