
મોરબી મહાનગરપાલિકામાં બિલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. આ કૌભાંડમાં માત્ર અસલી બિલમાં ચેડાં કરીને રકમ વધારવામાં આવી હોવાની જ નહીં, પરંતુ એક દુકાનના નામે આખી નકલી બિલ બુક છપાવવામાં આવી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સદામ ટાયર વર્ક્સના દુકાનદારે TV9 સાથેની વાતચીતમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. બીજી તરફ, આ મામલે મહાનગરપાલિકા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે.
સદામ ટાયર વર્ક્સના દુકાનદારે દાવો કર્યો છે કે મહાનગરપાલિકામાં તેમની દુકાનના નામે રજૂ કરવામાં આવેલા તમામ બિલ તેમણે બનાવ્યાં નથી. તેમણે બિલમાં લખાયેલા અક્ષરો પોતાની હસ્તાક્ષર શૈલીના ન હોવાની વાત પણ જણાવી છે. દુકાનદારને આશંકા છે કે તેમની દુકાનના નામે આખી નકલી બિલ બુક છપાવીને તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે.
દુકાનદારના જણાવ્યા અનુસાર, અસલી બિલમાં ચેડાં કરીને તેની રકમ વધારવામાં આવતી હતી અને ત્યારબાદ તે બિલ મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવતાં હતાં. આ કામના પેમેન્ટ માટે વિમલ બાવળિયા નામના વ્યક્તિનો ઉલ્લેખ પણ સામે આવ્યો છે.
આ મામલે સામે આવેલી વિગતો મુજબ, બિલમાં ચેડાં કરીને રકમ વધારવામાં આવી હોવાના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે. એક બિલમાં મૂળ ₹500ની રકમની આગળ એકડો ઉમેરીને તેને ₹1,500 કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. બીજા એક બિલમાં ₹700ની રકમની આગળ અંક ઉમેરીને તેને ₹10,700 કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રીતે વધારેલી રકમનાં બિલ મહાનગરપાલિકામાં રજૂ કરીને પેમેન્ટ મેળવવામાં આવ્યું હોવાની આશંકા છે.
સદામ ટાયર વર્ક્સનાં બે બિલમાં એક જ બિલ નંબર હોવા છતાં તારીખ અને રકમ અલગ-અલગ હોવાનું પણ સામે આવ્યું છે. આ બાબતને લઈને બિલની નકલ તૈયાર કરીને મહાનગરપાલિકામાં રજૂ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, એક એવી પેઢીના નામે પણ બિલ રજૂ થયાં હોવાની વિગતો સામે આવી છે, જે પેઢી બંધ થઈ ગઈ હોવાનું જણાવવામાં આવે છે. પેઢી બંધ થયા બાદ પણ તેના નામે બિલ બનાવવામાં આવ્યાં હોવાની આશંકાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો છે.
આ સમગ્ર મામલે મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, શાખા અધ્યક્ષને ₹50 હજાર સુધીનો ખર્ચ કરવાની સત્તા છે અને આ જોગવાઈને લઈને થયેલી ગેરરીતિ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલમાં આક્ષેપોની તપાસ ચાલી રહી છે. બિલમાં ચેડાં કોણે કર્યા, નકલી બિલ બુક છપાવવામાં આવી હતી કે નહીં અને આ સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે તપાસ બાદ સ્પષ્ટ થશે. હવે જોવાનું એ રહેશે કે તપાસ ક્યારે પૂર્ણ થાય છે અને સરકારી નાણાંના દુરુપયોગ માટે જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે.