Morbi: સીરામિકની ફેક્ટરીમાં કોરોનાની સારવાર કરવામાં આવતી હોવાનો વીડિયો વાયરલ, તંત્ર થયું દોડતુ

|

Apr 02, 2021 | 9:10 PM

મોરબીની (Morbi) સિરામીક ફેક્ટરીમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી

મોરબીની (Morbi) સિરામીક ફેક્ટરીમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને વીડિયોની ખરાઈ કર્યા બાદ જાણવા મળ્યુ કે સારવાર લઈ રહેલા દર્દીઓ કોરોનાના નહીં, પરંતુ સામાન્ય તાવ અને શરદી ધરાવતા દર્દીઓ છે. આ વીડિયોમાં જ્યારે તેમને બાટલા ચઢાવવામાં આવી રહ્યા હતા તે સમયનો છે.

 

તમને જણાવી દઈએ કે મોરબીમાં કોરોનાની સ્થિતિ અત્યંત ગંભીર છે અને હોસ્પિટલોમાં જગ્યા ન હોવાથી કોરોનાના દર્દીઓને મોરબીની સીરામીક ફેકટરીઓમાં સારવાર આપવામાં આવે છે એવા મેસેજ સાથે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને તંત્ર સામે ઘણા સવાલો ઉઠવા લાગ્યા હતા, જેને પગલે વીડિયોની સત્યતા જાણવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે મોરબીના કેપ્શન સીરામીક ફેકટરીનો હોવાનું સામે આવ્યું હતું. બે દિવસ પહેલા ફેકટરીમાં કામ કરતા ચાર મજૂરોને સામાન્ય શરદી અને તાવ હોવાથી ફેકટરી માલિક દ્વારા તકેદારીના ભાગરૂપે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ફોન કરી દર્દીઓની તકલીફ વિશે વાત કરી હતી.

 

 

ડૉક્ટરે ફેકટરી માલિકને કહ્યું હતુ કે હાલ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ હોવાથી હોસ્પિટલમાં જગ્યા નથી અને અન્ય દર્દીઓને આવા સમયે હોસ્પિટલમાં રાખવા સુરક્ષિત પણ નથી એટલે દર્દીઓને ફેકટરીમાં જ સારવાર મળી જાય તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. સાથે જ હોસ્પિટલના કર્મચારીઓએ દર્દીઓને ફેક્ટરીમાં જ બોટલ ચઢાવવાની વ્યવસ્થા કરી આપી હતી. ગ્લુકોઝની બોટલ ચઢાવ્યા બાદ તેમને સારું થઈ ગયું હતું. આમાંથી એકને પણ કોરોના ન હતો. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ સાથે ફરતા આ વીડિયોને કારણે સમગ્ર મોરબીમાં ભય ફેલાવા પામ્યો હતો અને લોકો વચ્ચે કોરોનાની સ્થિતીને લઈને ગેરસમજ થવા લાગી હતી.

 

વીડિયોમાં દર્દીઓ જમીન પર સૂતેલા જોવા મળી રહ્યા છે. તેઓ કોરોનાના દર્દી ન હતા, પરંતુ કોરોનાને કારણે હોસ્પિટલ ફુલ  હોવાથી અન્ય દર્દીઓને સુવિધા અને યોગ્ય સારવાર મળી નથી રહી અને આવી દયનીય સ્થિતીમાં સારવાર લેવાનો વારો આવી રહ્યો છે. હાલમાં સમગ્ર ભારતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે સાથે જ ગુજરાતમાં પણ કોરોનાના કેસ ગંભીર રીતે વધી રહ્યા છે તેવામાં હોસ્પિટલમાં બેડની અછત ઉભી થઈ રહી છે.

 

આ પણ વાંચો: Maharashtra: સીએમ ઉદ્ધવ ઠાકરે કહ્યું કોરોના ધારણ કરી રહ્યું છે વિકરાળ સ્વરૂપ, લોકડાઉન અંગે કહી આ વાત

Next Video