Monsoon 2021: રાજ્યમાં 4 જળાશયો હાઇ એલર્ટ ૫ર, NDRFની કુલ 15 ટીમ તૈનાત

|

Jun 23, 2021 | 12:15 PM

Monsoon 2021 : વાવાઝોડા તાઉ તેની અસર હેઠળ વરસેલા સારા વરસાદ અને ચોમાસાની શરૂઆતમાં જ કેટલાક જિલ્લામાં પડેલા નોંધપાત્ર વરસાદથી, જળાશયમાં નવા નીર આવેલ છે.

Monsoon 2021 : ચોમાસાની (Monsoon) શરૂઆતમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. અમુક જગ્યા પર મધ્યમ તો અમુક જગ્યા પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અમુક જગ્યા પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ હતી.

વરસાદને પગલે રાજ્યમાં 4 જળાશયો હાઇ એલર્ટ ૫ર જ્યારે 7 જળાશયો વોર્નિંગ ૫ર રાખવામાં આવ્યા છે. આ અંગેની વેધર વોચ ગ્રુપની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. વરસાદને પગલે NDRFની કુલ 15 ટીમ તૈનાત કરવામાં આવી છે. 5 ટીમ ડિપ્લોય અને ૧૦ ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

ગત 24 કલાકમાં રાજયના 12 જિલ્લાના 58 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જે પૈકી સૌથી વધારે ડાંગના વઘઈમાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ચાલુ વર્ષે અંદાજીત 6.894 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર 21 જૂન સુધીમાં થયું છે.છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 8.06% વાવેતર થયું છે. સરદાર સરોવર જળાશયમાં 1,50,627 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે.

કુલ સંગ્રહ શકિતના 45.09% સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ થયો છે. અત્યાર સુધીમાં 206 જળાશયોમાં 2,06, 910 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે.તમામ જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 37.14% તમામ જળાશયોમાં પાણીનો સંગ્રહ થયો છે.

તમને જણાવી દઈએ, મહેસાણા જિલ્લામાં સીઝનનો 154% વધુ વરસાદ વરસ્યો છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય  થઇ છે. જેના કારણે સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે.

Next Video