Mehsana : ઊંઝા APMCમાં વેપારીઓની હડતાળને (strike) લઈ પૂર્વ સેક્રેટરી અને પૂર્વ વાઈસ ચેરમેન વચ્ચે રાજકારણ ગરમાયું છે. પૂર્વ વાઈસ ચેરમેન વસ્તારામ પટેલ અને APMCના ડિરેક્ટર અમરત પટેલે પૂર્વ સેક્રેટરી વિષ્ણુ પટેલને વિવાદનું કારણ ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે વિષ્ણુ પટેલને બચાવવા માટે આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Dharoi Dam: ધરોઈ ડેમ એલર્ટ સ્ટેજ પર પહોંચ્યો, વધુ સવા ફુટ પાણી ભરાતા સાબરમતીમાં છોડાશે પાણી?
વધુમાં તેમણે જણાવ્યું છે કે વેપારીઓને ગુમરાહ કરવામાં આવ્યા છે. તેઓ ખોટી રીતે રામધૂન કરીને વિરોધ કરી રહ્યા છે. માર્કેટ કમિટી વેપારીઓના મકાનો પાછા લેવાની જ નથી. તેમણે કહ્યું કે તેઓ લેખિત બાંહેધરી આપવા તૈયાર છે કે મકાનો પાછા નહીં લેવાય. આ વિવાદમાં વિષ્ણુ પટેલ જ મુખ્ય આરોપી હોવાનો તેમણે આક્ષેપ કર્યો. સાથે એવું પણ જણાવ્યું કે તપાસ કરવામાં આવે તો ઘણા કૌભાંડ સામે આવશે.
તો બીજી તરફ વિષ્ણુ પટેલે પૂર્વ વાઇસ ચેરમેનને ગાંડા ગણાવ્યા અને APMCના ડિરેક્ટર અમરત પટેલના આક્ષેપ પર વળતો પ્રહાર કર્યો છે. વિષ્ણુ પટેલે કહ્યું કે સરકારના પરિપત્રને સાઈડલાઈન કરી અને સિનિયરોને અવગણીને અમરત પટેલે પોતાના દીકરાને સેક્રેટરીની પોસ્ટ પર બેસાડી દીધા છે. એટલું જ નહીં 3 પગાર વધારા અને એક વર્ષનું એક્સટેન્શન પણ આપ્યું છે. તેમણે પોતાની વગ વાપરીને ઈરાદાપૂર્વક પોતાના જ દીકરાને લાભ પહોંચાડીને સિનિયર કર્મચારીઓને અન્યાય કર્યો છે.
તો APMCના વાઈસ ચેરમેને કહ્યું કે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે આવતીકાલે સહકાર મંત્રી સાથે મુલાકાત નક્કી કરી છે. તેઓ વેપારીઓની સાથે આવતીકાલે સહકાર મંત્રીને મળવા જવાના છે. તેમને આશા છે કે સરકાર સાથેની મુલાકાતમાં સકારાત્મક ઉકેલ આવશે. તો ઊંઝા APMCના 133 દુકાનોના માલિકીના હક્ક વિવાદ મુદ્દે તંત્રની નોટિસ બાદ બોર્ડના 12 પૂર્વ સભ્યોના નિવેદન લેવામાં આવ્યા છે. જ્યારે 3 સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કેટલાક સભ્યોએ સમય માગ્યાની વાત જિલ્લા રજીસ્ટ્રારે કરી હતી.