દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. દેશ તેના 75મો સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી હર ઘર ત્રિરંગા અભિયાન પણ ચાલી રહ્યુ છે. જેમા દેશની આન-બાન અને શાન સમા ત્રિરંગાને દરેક દેશવાસી તેના ઘર, દરેક સરકારી કચેરીઓ, કામના સ્થળે લહેરાવવાનુ આહ્વાન કરવામાં આવ્યુ છે. આ ઉજવણીમાં નાના-મોટા સહુ કોઈ સામેલ થઈ રહ્યા છે.
આ ઉજવણી અંતર્ગત મહેસાણા (Mahesana) માં શંકુઝ સમૂહ (Shankus Group) દ્વારા 13મી ઓગષ્ટે સવારે રાષ્ટ્રધ્વજ અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલ શંકુઝ સમૂહની ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ સહિત શંકુઝ સમૂહ દ્વારા સવારે 8 વાગ્યે રાષ્ટ્રને સમર્પિત 100 ફુટ ઉંચા સ્તંભ પર 30 ફુટ લાંબા અને 20 ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે ધ્વજવંદન કરવામાં આવ્યુ તેમજ ત્યાં હાજર સહુ કોઈને રાષ્ટ્રધ્વજ (National Flag) અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં અને શંકુઝ પરિવારના સભ્યોની દેશપ્રેમની ભાવનાને પ્રબળ બનાવવાનો હતો. આ ધ્વજાર્પણ કાર્યક્રમમાં અતિથિ તરીકે મહેસાણાના કલેક્ટર ઉદિત અગ્રવાલ, જિલ્લા સેશન્સ કોર્ટ જજ માનનિય કુમારી રિઝવાના બુખારી, ડીડીઓ મહેસાણા ડૉ ઓમ પ્રકાશ, કે, એમ સોની, ડેપ્યુટી કમાન્ડર, 56 બટાલિયન BSF, અંબાસણ તથા શંકુઝ સમૂહના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ ચૌધરી, શંકુઝ ગૃપ ઓફ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રૂચિ ચૌધરી, ડિવાઈન ચાઈલ્ડ શાળા પરિવાર સહિત શંકુઝ સમૂહના સર્વ સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દેશપ્રેમને વધુ મજબુત કરવા પ્રસંગોચિત પ્રવચન કરવામાં આવ્યુ હતુ.
વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમા દેશભક્તિ ગીત, નૃત્ય, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત જનમેદજની અને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યાં હાજર દરેકના ચહેરા પર દેશપ્રેમ ઝલકી રહ્યો હતો. આ પ્રસંગે આચાર્ય જી.કે. દેસાઈ ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ મહેસાણા સહિત શંકુઝ ગૃપ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લોકોને હર ઘર ત્રિરંગા અભિયાનમાં સહભાગી થવા અને ત્રિરંગાનું સન્માન જાળવવા અપીલ કરી હતી. ક્યાંક પણ દેશની આન-બાન- શાન સમા ત્રિરંગાની ગરીમાને હાનિ પહોંચે તેનુ ધ્યાન રાખવા પણ જણાવવામાં આવ્યુ હતુ.