શિક્ષણ, સંશોધન અને વ્યસાયલક્ષી વિકાસને કેન્દ્રમાં રાખીને લાઈફ સાયન્સિસમાં અભ્યાસક્રમો ઑફર કરતી કડી (Kadi) ના રાજપુર ખાતે આવેલી ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ ગુરૂવાર તા. 10 ફેબ્રુઆરી, 2022 ના રોજ યોજાયો હતો. પદવીદાન સમારંભમાં રશિયન, યુકે અને જર્મન એકેડેમી ઑફ સાયન્સિસના સભ્ય પ્રો. ગોવર્ધન મહેતા મુખ્ય મહેમાન હતા.
ઈન્દ્રશીલ યુનિવર્સિટી (University) ના બોર્ડ ઑફ મેનેજમેન્ટના ચેરમેન મહેશ્વ સાહુએ (નિવૃત્ત આઈએએસ) પદવીદાન સમારંભમાં ભાગ લઈ વિદ્યાર્થીઓને સંબોધતાં પ્રેસિડેન્ટ ડૉ. રાજીવ એ. મોદીનો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. ડૉ. રાજીવ મોદીએ પોતાની શુભેચ્છાઓ પાઠવીને જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ સંશોધન, અભ્યાસ અને ઉદ્યોગના સુવર્ણ ત્રિકોણ ઉપર ધ્યાન આપવું જોઈએ. ઈન્દ્રશીલ યુનિવર્સિટીનો ઉદ્દેશ તેના હાલના સ્વરૂપમાં આત્મનિર્ભર ભારતના નિર્માણનો છે. વર્તમાન સમયમાં ઉચ્ચ શિક્ષણનું પુનઃગઠન જરૂરી છે અને વર્તમાનને સુસંગત રહેવા માટે અભ્યાસક્રમના માળખામાં સતત સુધારા તથા મૂલ્યવર્ધિત તાલીમનો સમાવેશ કરવો જરૂરી છે. ઈન્દ્રશીલ યુનિવર્સિટી પ્રાદેશિક વિદ્યાર્થીઓને તેમનું જ્ઞાન અને કૌશલ્યમાં વધારો કરવાની સાથે સાથે વિશ્વમાં સ્પર્ધાત્મક સરસાઈ અપાવવાનો ઉદ્દેશ ધરાવે છે.
ઓર્ગેનિક કેમિસ્ટ્રીના મહાન વૈજ્ઞાનિક, વાઈસ ચાન્સેલર ડૉ. જે એસ. યાદવે આ શૈક્ષણિક સંસ્થાની ઉત્કૃષ્ટતા, સિધ્ધિઓ અને ભવિષ્યલક્ષી અભિગમનો યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલના આધારે ખ્યાલ આપ્યો હતો. ઈન્દ્રશીલ યુનિવર્સિટી ગુજરાતમાં અગ્રણી લાઈફ સાયન્સિસ યુનિવર્સિટી તરીકે ઉભરી રહી છે અને સંશોધન તથા ઈનોવેશનમાં નોંધપાત્ર પ્રદાન કરી રહી છે.
સ્નાતક તરીકેની પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં પ્રોફેસર ગોવર્ધન મહેતાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે હંમેશા મહત્વાકાંક્ષી બનો અને પોતાની ક્ષમતા સિધ્ધ કરવા પ્રયત્નશીલ રહો. ‘તમે જે છો’ અને ‘તમે જે બનવા માંગો છો’ તેની વચ્ચે સમતુલા જાળવો. તેમણે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જીવનની મજલમાં શિક્ષણ ફળદાયી અને તંદુરસ્ત જીવન માટે એક આવશ્યક પરિબળ છે. તેમણે માનવતા, અન્ય વ્યકિતની સમજ પ્રત્યે સંવેદનશીલતા અને નમ્રતા દાખવવા જેવી નોંધપાત્ર ત્રણ બાબતો ઉપર ભાર મૂકવા જણાવ્યું હતું.
યુનિવર્સિટીના સ્થાપક ઈન્દ્રવદન મોદીના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં યોગદાનને યાદ અપાવતાં વિદ્યાર્થીઓને તેમના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું અને શિક્ષણ માનવ જીવન માટે સેવા આપવાનો આદર્શ બની રહેવું જોઈએ તેમ સૂચવ્યું હતું. આ પદવીદાન સમારંભમાં કુલ 286 સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી તથા 14 વિદ્યાર્થીઓને મેડલ તથા રેન્ક સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પદવી લઈ રહેલા વિદ્યાર્થીઓએ શપથ લીધાં હતાં. રાષ્ટ્રગીત સાથે પદવીદાન સમારંભનું સમાપન થયું હતું.
આ પણ વાંચોઃ Ahmedabad: બિલ્ડરો જૂથો પર ઇન્કમટેક્સ વિભાગનો સાપટો, શિલ્પ અને શિવાલિક જૂથના 25થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા
આ પણ વાંચોઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં બાર સાંધે તેર તૂટે જેવો ઘાટ, રજુઆત કરવા જતા વચ્ચેથી પણ 8 કોર્પોરેટરો ગાયબ !