ગુજરાતમાં મેડીકલ ઈમરજન્સીઃ ગુજરાત હાઈકોર્ટ

|

Apr 12, 2021 | 7:52 AM

ગુજરાત હાઈકોર્ટે, ( Gujarat High Court ) રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર હોવાની નોંધ લઈને સુઓમોટો રીટ દાખલ કરી છે. આ રીટની સુનાવણી આજે 12 એપ્રિલ 2021ના રોજ હાથ ધરાશે.

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ સામે ઓછી પડતી સરકારી વ્યવસ્થા અંગે ગુજરાત હાઈકોર્ટે( Gujarat High Court) રાજ્ય સરકાર સામે લાલ આંખ કરી છે. ગુજરાત હાઈકોર્ટે, કોરોનાની સ્થિતિને લઈને સુઓમોટો રીટ કરીને, ગુજરાતમાં મેડીકલ ઈમરજન્સી હોવાની ટકોર કરી છે.

ગુજરાતમાં રોજબરોજ કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે. કોરોનામાં કારગત નિવડેલા રેમડેસીવીર ઈન્જેકશનની અછત, હોસ્પિટલોમાં બેડની અપુરતી સંખ્યા અને સ્મશાનગૃહની સ્થિતિને ધ્યાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટ વધુ સુનાવણી હાથ ધરશે.

ગુજરાત હાઈકોર્ટે હાથ ધરેલ સુઓમોટો રીટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવા માટે જરૂરી નોટીસ ઈસ્યુ કરી છે. કોવિડ19ને નિયંત્રણમાં લેવા માટે જે કોઈ આયોજન હોવું જોઈએ તેના પર સરકારે યોગ્ય કામગીરી કરી નથી તેવુ ટાંકીને કેટલાક સવાલો ઊભા કર્યા છે.
કોરોનાની સ્થિતિ, સારવાર, આરોગ્યલક્ષી સેવા, સુવિધા, આવશ્યક દવાઓની સરળતાથી ઉપલબ્ધી વગેરે મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસના વડપણવાળી ખંડપીઠ આ મુદ્દે સુનાવણી હાથ ધરશે.

 

Next Video