સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન, ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર હતા

મેઘાણીનો સાહિત્યનો વારસો મહેન્દ્ર મેઘાણીએ બરાબર જાળવ્યો હતો અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા તેમને ઝવેરચંદ મેઘાણીનું તેમજ અન્ય ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડ્યું હતું.

સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરનારા મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે નિધન, ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર હતા
Mahendra Zaverchand Meghani passed away
| Updated on: Aug 03, 2022 | 10:07 PM

મેઘાણીનો સાહિત્યનો વારસો મહેન્દ્ર મેઘાણીએ બરાબર જાળવ્યો હતો અને લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા તેમને ઝવેરચંદ મેઘાણીનું તેમજ અન્ય ગુજરાતી સાહિત્યને લોકો સુધી પહોંચાડ્યું હતું. મહેન્દ્ર મેઘાણીએ લોકમિલાપના માધ્યમથી સર્વોત્તમ પુસ્તકો ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવ્યા હતા. અડધી સદીની વાંચન યાત્રા, રોજ રોજની વાંચનયાત્રા વગેરે તેમના પુસ્તકો  ઘણા જાણીતા હતા.

આજે 3 ઓગસ્ટ 2022ના દિવસે સાંજે ભાવનગર ખાતે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. નોંધનીય છે કે મહેન્દ્ર મેઘાણીએ 20 જૂનના રોજ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો. મહેન્દ્રભાઈએ ભાવનગરમાં 1968માં શરૂ કરેલાં લોકમિલાપ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં. તેઓએ અડધી સદીની વાંચનયાત્રા નામે વિવિદ પુસ્તક શ્રેણીનું સંપાદન અને પ્રકાશન કરીને ગુજરાતના ખૂણે ખૂણે લોકો સાહિત્ય વાંચનમાં રસ લેતા થાય તે માટે અવરત પર્યત્નો કર્યા હતા.

4 ઓગસ્ટના રોજ થશે અંતિમ સંસ્કાર

મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. સાથે પોસ્ટમાં જણાવાયું હતું કે, મહેન્દ્ર મેઘાણીની સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગરથી  ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દીનું વર્ષ ઉજવાઈ રહ્યું હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી તેઓએ અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. અને ઝવેરચંદ મેઘાણી દ્વારા લખવામાં આવેલા સાહિત્યને તેમણે સુંદર રીતે સંપાદિત અને પ્રકાશિત કર્યું હતું.

રાષ્ટ્રીય શાયર ઝ્વેરચંદ મેઘાણીના અવસાન બાદ સંભાળ્યો સાહિત્ય વારસો

વર્ષે 1948માં ઝેવરચંદ મેઘાણીનું અવસાન થતા મહેન્દ્ર મેઘાણીએ પિતાનો સાહિત્ય અને પત્રકારત્વનો વારસો બખૂબી સંભાળ્યો હતો.  મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં કામ કરીને  સેવન યર્સ ઈન તિબેટકોન ટીકી વગેરે  ઉતમોઉત્તમ સાહિત્ય સરળ ગુજરાતી શૈલીમાં ઉપલબ્ધ કરાવ્યા  તેમણે ‘નહીં વીસરાતાં કાવ્યો’ નામનું પુસ્તક સંપાદિત કર્યું. તેમાં ‘અવારનવાર સંભારવાનું મન થાય તેવાં, સો કવિઓનાં સો કાવ્યો’ તેમણે મૂક્યાં છે.  તે પહેલાંનાં વર્ષમાં ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, ‘આપણો ઘરસંસાર’ અને ‘આપણાં બા’ નામનાં પુસ્તકો તેમણે તૈયાર કર્યાં. તેમાં અનેક લેખકોનાં ચૂટેલાં લખાણો વાંચવા મળે છે.

લોકમિલાપ પુસ્તકપ્રેમીઓ માટે હતું મુલાકાતનું સ્થળ

લોકમિલાપે 100 કરતાં વધુ પુસ્તકો બહાર પાડ્યાં. ગુજરાતી સાહિત્ય, ગાંધી વિચાર, રવીન્દ્રનાથ ટાગોરનું સાહિત્ય અને અંગ્રેજી ભાષાની નિવડેલી કૃતિઓના અનુવાદ જેવાં પુસ્તકોની અત્યાર સુધી અક્ષરશ: લાખો નકલો વાચકોને પહોંચાડી. સાતમા દાયકાનાં ‘કાવ્યકોડિયાં’ થી લઈને હમણાંની ‘મોતીની માળા’ જેવી પુસ્તિકાઓ અથવા ખિસ્સાપોથીઓનું વેચાણ અઢળક થયું હતું.  ભાવનગરમાં ‘લોકમિલાપ’ પુસ્તકભંડાર પણ વાચનપ્રેમીઓનું પણ મુલાકાતનું સ્થળ રહ્યું છે.

 

Published On - 9:28 pm, Wed, 3 August 22