ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારના જિલ્લાઓમાં વરસાદને પગલે ઉત્તર ગુજરાતની નદીઓમાં નવા પાણીની આવક થઈ રહી છે. રવિવારે પણ આવી જ રીતે નદીઓમાં નવા પાણીની આવક થઈ હતી. શનિવારે સાંજે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર રવિવારે સવારે પાણીની આવકમાં વધારો થયો હતો. જેને લઈ ધરોઈમાં નવા પાણીની ઉમેરો થયો હતો. આ સિવાય અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. હાથમતી, હરણાવ તેમજ બનાસ નદીમાં પાણીની આવક થઈ હતી.
દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવક છેલ્લા ત્રણેક દિવસથી નોંધાઈ રહી છે. બનાસ નદીમાં પાણીની આવક થવાને લઈ રાહત સર્જાઈ હતી. દાંતીવાડા ડેમમાં પાણી ભરાતા ખેડૂતોને રાહત સર્જાઈ છે. આમ ઉત્તર ગુજરાતની નદીઓમાં પાણીની આવક થવાને લઈને ખેડૂતોમાં રાહત સર્જાઈ છે. હજુ પણ સ્થાનિક જળાશયોમાં પાણીની આવક નોંધાવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે.
રવિવારે સવારે 8 કલાકથી ફરીથી ધરોઈ ડેમમાં આવકમાં વધારો થયો હતો. સાબરમતી નદીમાં પાણીની આવક છેલ્લા ચારેક દિવસથી થઈ રહી છે. શનિવારે સાંજે પાણીની આવકમાં ઘટાડો થયો હતો. પરંતુ રવિવારે બપોર બાદ પાણીની આવકમાં વધારો થવાની શરુઆત થતા રાહત સર્જાઈ હતી. ધરોઈ ડેમમાં હાલમાં 23.45 ટકા પાણીનો જથ્થો ભરેલો છે. જ્યારે જળ સપાટી 611 ફુટ કરતા વધારે છે. આમ ધરોઈ ડેમની સ્થિતી રાહત ભરી બની છે.
સેઈ નદી, પનારી નદી, હરણાવ નદી સહિતના ઉપનદીઓમાં પાણીની આવક થઈ રહી છે. વિજયનગર અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પાણી આવતા જે આગળ જઈને સાબરમતી નદીમાં ભળે છે. આમ ધરોઈ ડેમમાં પાણીની આવક સતત નોંધાઈ રહી છે અને જળ સપાટી રુલ લેવલ તરફ ધીમે ધીમે આગળ વધી રહી છે. ધરોઈ ડેમની હાલની સપાટી 186.31 મીટર છે, જ્યારે રુલ લેવલ 188.37 મીટર છે. રુલ લેવલ સપાટીએ જળ સ્તર પહોંચતા જ દરવાજા ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે.
બનાસ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. રાત્રીના 1 વાગ્યાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવક 1504 ક્યુસેક જળવાઈ રહી છે. રવિવારે સવારે 10 કલાકે પણ આટલી જ આવક જળવાઈ રહી હતી. જળાશયમાં જળ જથ્થો 63.21 ટકા થયો છે. આમ રાહતની સ્થિતી સર્જાઈ છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદે આવેલા હાથમતી જળાશયમાં પાણીની આવક નોંધાવાની શરુઆત થઈ છે. હાથમતી નદીમાં સવારે 7 કલાકથી પાણીની આવક નોંધાવવાની શરુઆત થઈ હતી. શરુઆતમાં હાલમાં સાડા ત્રણસો ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાથમતીમાં પાણીની આવક નહી થવાને લઈ ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવે રાહતના સંકેત મળી રહ્યા છે. હાથમતીના ઉપરવાસમાં સારો વરસાદ શનિવારે રાત્રે અને રવિવારે સવારે નોંધાયો હોઈ આવકમાં વધારો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. હાથમતીની ઉપનદી પણ ભિલોડા વિસ્તારમાં બે કાંઠે થઈ છે.
રવિવારે સવારે 7 કલાકના અરસા દરમિયાન 320 ક્યુસેક આવક હરણાવ ડેમમાં નોંધાઈ છે. હરણાવ ડેમ હાલમાં 49 ટકા ભરાયેલો છે. વરસાદી માહોલ હોવાને લઈ ડેમમાં હજુ પાણીની આવક થવાની આશા સ્થાનિક ખેડૂતોને છે.
Published On - 10:10 am, Sun, 9 July 23