ગુજરાતની સાથે આજે કચ્છ ભારતીય કિસાન સંઘ દ્વારા મીટર પ્રથા મરજીયાત કરવાની માંગ સાથે ભુજના ટ્રીન સીટી ગ્રાઉન્ડ ખાતે ધરણા કરવામા આવ્યા હતા. જેમા કચ્છભરમાંથી (Kutch Latest News) મોટી સંખ્યામા ખેડુતો જોડાયા હતા. અગાઉ ખેડુતોએ 15 તારીખે ધરણા યોજ્યા બાદ ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આજે સંતો તથા વિશાળ ખેડુતોની હાજરી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ છેલ્લા બે વર્ષથી ભારતીય કિસાનસંઘ વિજળી આપવાની બે નીતિ ના વિરોધ સાથે મરજીયાત મીટર પ્રથાની માંગ કરી રહ્યુ છે. પરંતુ સરકારે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી જેથી આજે ધરણા યોજી આવેદન આપ્યા બાદ ખેડુતોએ નેતાઓના કાર્યક્રમના બહિષ્કાર સાથે ચક્કાજામ સહિતના કાર્યક્રમો દ્વારા વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સરહદી જિલ્લા કચ્છમાં ખેડૂતો અનેક મુશ્કેલીઓનો સામનો કરતા આવ્યા છે. ત્યારે નર્મદાના પાણી, મીટર પ્રથા, વીજ કનેક્શન, ખાતર અને ઉંડા જતા પાણીના સ્તર વગેરે જેવા પ્રશ્નો સતત સતાવતા આવે છે. જેને લઇને ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યભરમાં અનેકવાર ધરણાં પ્રદર્શન યોજી તાલુકા મથકો ઉપર મામલતદારોને આવેદન પત્ર પાઠવી આ મુદ્દે અનેકવાર રજૂઆત પણ કરી હતી. પરંતુ હવે કચ્છના ખેડૂતો આકરા પાણીએ થયા છે અને ફરી એકવાર ઉગ્ર આંદોલન કરવાની વાત ભારતીય કિસાન સંઘના હોદ્દેદારોએ કરી હતી.
ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા પ્રમુખ શિવજીભાઇ બરાડીયા જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં છેલ્લાં બે વર્ષોથી ખેતરોમાં વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 1988માં પણ આ મામલે જ ચાલતા વિરોધમાં ખેડૂતોના મોત થયા હતા જે બાદ મીટર પ્રથા બંધ કરાઈ હતી. પણ સમયની સાથે મીટર પ્રથા ફરી શરૂ કરાતાં કચ્છના ખેડૂતો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી ભારતીય કિસાન સંઘ દ્વારા નર્મદાના પાણી સહિત મીટર પ્રથા નાબૂદ કરવા મુદ્દે પણ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા પરંતુ સરકારે કોઇ નિર્ણય ખેડુતોના હીતમા કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ગત 15મી જૂને ભારતીય કિસાન સંઘના આહવાનથી રાજ્યભરમાં ખેડૂતો તાલુકા મથકો પર ધરણાં યોજી વિરોધ દર્શાવ્યો હતો. કચ્છના 9 તાલુકાઓમાં ખેડૂતોએ ધરણાં પ્રદર્શન યોજ્યુ હતુ. સાથે જ તાલુકા મામલતદાર મારફતે રાજ્યના મુખ્ય પ્રધાનને આવેદન પત્ર પાઠવી મીટર પ્રથા મરજિયાત કરવાની માંગ કરી હતી. પરંતુ વારંવાર લેખિત રજૂઆતો કર્યા છતાં પણ કોઈ પગલાં ન લેવાતાં કિસાન સંઘમાં પણ હવે ભારે રોષ ભરાયો છે.
ખેડુતોએ ખુલ્લો પડકાર ફેંક્યો છે કે સરકારનો વિરોધ નોંધાવી કોંગ્રેસની જેમ ઘરભેગા કરશુ જો વિજળી આપવાની પ્રથામા ફેરફાર નહી થાય તો, ઉપરાંત આગામી સમયમાં સરહદી જિલ્લા કચ્છને અન્ય જીલ્લાઓ સાથે જોડતો મુખ્ય માર્ગ સામખિયાળી વાળો માર્ગ પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેમજ અનેક વિરોધ પ્રદર્શિત કરતાં કાર્યક્રમો અને આંદોલન કરવામાં આવશે.