ADANI સંચાલિત હોસ્પિટલમાં થોડા સમય પહેલાં જ બે દર્દીઓના મોત બાદ મૃતદેહ બદલાઈ જવાનો મામલો સામે આવ્યો હતો.
BHUJ : બેદરકારીથી મૃત્યુ સહિત થોકબંધ વિવાદોમાં ફસાયેલી અદાણી હોસ્પિટલની બેદરકારીનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. હજી થોડા સમય પહેલાજ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત બાદ મૃતદેહ બદલાઈ જવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આજે વધુ એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. નખત્રાણાના નેત્રા ગામની એક પ્રસુતાએ બાળકીને જન્મ આપ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ રાખવામાં આવી હતી.
આજે 31 ડીસેમ્બરને સવારે પરિવારને ફોન દ્વારા જાણ થઇ હતી કે તેમની ફૂલ જેવી દિકરી મૃત્યુ પામી છે. પરિવાર પણ જાણે આભ તૂટ્યું હોય તેમ પરિવાર મૃત બાળકીનો મૃતદેહ લઇ તેની અંતિમવીધી માટેની તૈયારી માટે નિકળ્યું હતો, ત્યાં જ અચાનક પરિવારના સભ્યોનું ધ્યાન ગયુ કે જેનો મૃતદેહ તેમની પાસે છે એ બાળકી નહીં પણ બાળક છે.
હોસ્પિટલનો સંપર્ક કરતા માલુમ પડ્યુ કે તેમની બાળકી તો જીવે છે પરંતુ અન્ય બાળકનો મૃતદેહ તેમને સોંપી દેવાયો છે. જો કે પોતાની ભુલ પર પડદો નાંખવાનો અદાણી મેનેજંમેન્ટનો પ્રયાસ નિષ્ફળ ગયો અને સામાજીક આગેવાનોએ આ મામલે અદાણી મેનેજમેન્ટ સહિત સમગ્ર મામલે ન્યાયીક તપાસની માંગ સાથે કચ્છ DDO ભવ્ય વર્માને પણ મૃતદેહ સાથે લઇ જઇ રજુઆત કરી હતી.
સામાજીક કાર્યકરોએ ભુજમાં ADANI સંચાલિત હોસ્પિટલમાં અવારનવાર બનતા આવા બનાવો સામે રોષ ઠાલવ્યો હતો. સામાજીક કાર્યક્રરોએ અગાઉ બાળકોના મોતથી લઇ બેદરકારીના અવારનવાર બનતા કિસ્સાઓ સામે મેનેજમેન્ટ સુધારવા સાથે સરકારને યોગ્ય કાર્યવાહી માટેની માંગ કરી હતી, તો સુવિધાના અભાવે વધતા કિસ્સાને પગલે અદાણી હોસ્પિટલને કતલખાનું ગણાવ્યું હતું. જો કે અદાણી મેનેજમેન્ટે આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને મેનેજમેન્ટમાં સુધારા સાથે દોષિત સામે યોગ્ય કાર્યાવાહી થશે તેમ જણાવ્યું હતું.
આજે સવારથી પ્રકાશમાં આવેલી ધટના બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે અદાણીની બેદરકારી સામે આવ્યા બાદ અદાણી GAIMS GK GENERAL HOSPITALના ડાયરેક્ટર બાલાજી પિલ્લઈએ જણાજણાવ્યું હતું કે ઘટના માનવીય ધોરણે અત્યંત માનસિક આઘાત સમાન છે. જેમાં વાલીઓની લાગણીઓ જોડાયેલી છે. તેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે કડક સુચના દરેક ડિપાર્ટમેંટને આપી દેવામાં આવી છે.
સાથે જ તેમણે કહ્યું કે આ કિસ્સામાં ઊંડાણપૂર્વક ખાતાકીય તપાસ કરવામાં આવશે અને ફરજ મોકુફ કરવા સુધીની કાર્યવાહી થશે. કચ્છ જીલ્લાની સૌથી મોટી એવી હોસ્પિટલનું સંચાલન અદાણીને સોંપાયુ ત્યારથી કોઇને કોઇ વિવાદને લઇ અદાણી મેનેજમેન્ટ ચર્ચામાં રહ્યું છે. પરંતુ કોઇ જીવિત બાળકીને મૃત જાહેર કરી અન્યનો મૃતદેહ સોંપી દેવાય તે તો મોટી બેદરકારી સમાન છે. ત્યારે તંત્ર પણ આ મામલે તપાસ બાદ મેનેજમેન્ટ સામે પગલા લે તે જરૂરી છે.
આ પણ વાંચો : Ahmedabad : શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓમાં ચિંતા વ્યાપી, કુલ 21 વિદ્યાર્થી કોરોના સંક્રમિત