Kutch: ભુજ (Bhuj) BSFની ગુપ્ત માહિતી પાકિસ્તાનની મહિલા જાસૂસ સુધી પહોંચાડનાર એક આરોપીને ATSએ ધરપકડ કરી છે. આરોપીએ આ માહિતી પહોંચાડવા બદલ રૂપિયા મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. પહેલા ટુરનું પેકેજ સસ્તા ભાવે આપવાની લાલચે શરૂ થયેલી વાતચીતમાં ગાઢ મિત્રતામાં પરિણમી અને પછી રૂપિયા મળતા ગુપ્ત માહિતીઓ મોકલવાની શરૂવાત કરી હતી. આ કિસ્સો છે ભુજના બીએસએફમાં કામ કરતા એક પટાવાળાનો, કે જેણે એક યુવતી પર આંધળો વિશ્વાસ મુકવો ભારે પડ્યો અને હવે તે જેલના સળિયા ગણશે.
ગુજરાત ATS દ્વારા તાજેતરમાં જ ભુજથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ATSને માહિતી મળી હતી કે એક વ્યક્તિ બીએસએફની ગુપ્ત માહિતીઓ અને કાગળો પાકિસ્તાન પહોંચાડે છે. જેના આધારે ATSએ ભુજથી આ વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે ATSની પૂછપરછમાં ચોકાવનારી વિગતો સામે આવી છે.
ભુજના બીએસએફ હેડ ક્વાર્ટરની CPWD ઇલેક્ટ્રીક વિભાગમાં ફરજ બજાવતા નિલેશ બળીયા નામના પટાવાળાની હાલમાં ગુજરાત ATSએ ધરપકડ કરી છે. નિલેશ પાકિસ્તાનની એજન્સી ISIની એક મહિલા એજન્ટ સાથે સંપર્કમાં હતો અને whatsapp મારફતે BSFની ગુપ્ત માહિતી મહિલા હેન્ડલરને પહોંચાડતો હતો.
જાન્યુઆરી 2023માં નિલેશની ઓળખાણ સોશિયલ મીડિયાના માધ્યમથી અદિતિ તિવારી નામની મહિલા સાથે થઈ હતી. જોકે થોડાક જ દિવસોમાં નિલેશને અદિતિ સાથે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. નિલેશ બીએસએફમાં પટાવાળો હતો પણ તેણે અદિતિને પોતે કોમ્પ્યુટર ઓપરેટર હોવાનું જણાવ્યું હતું. જે બાદ અદિતિએ નિલેશને બીએસએફની ગુપ્ત માહિતીઓ અને કાગળો આપવાનું જણાવ્યું હતું અને જો આ માહિતી કોઈ ઉપયોગી હશે તો તેના બદલામાં તેને પૈસા આપશે તેવી લાલચમાં ફસાવ્યો હતો.
નિલેશે જાન્યુઆરી 2023થી અત્યાર સુધી બીએસએફના કાર્યક્ષેત્રમાં થઈ રહેલા બાંધકામો અને ભવિષ્યમાં થનારા બાંધકામોની ગુપ્ત માહિતીઓ સમયાંતરે મોકલી હતી અને જેના બદલામાં નિલેશને ટુકડે ટુકડે અત્યાર સુધી 28 હજાર જેટલા રૂપિયા મળ્યા હતા. ચોંકાવનારી વાત તો એવી સામે આવી છે કે નીલેશે જે માહિતી પાકિસ્તાન વોટસએપ માધ્યમથી પહોંચાડી હતી જેના બદલામાં તેના બેન્ક એકાઉન્ટ તેમજ Paytmમાં રૂપિયા જમા થયા હતા પણ આ રૂપિયા પાકિસ્તાનથી નહિ પણ ભારતના જ કોઈ બેન્ક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર થયા હતા.
સમગ્ર કેસમાં ATSએ નિલેશની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ખાસ કરીને અદિતિ તિવારીના નામે નિલેશ સાથે સંપર્ક ધરાવતી પાકિસ્તાની એજન્ટ કોણ છે અને તે અન્ય કોના કોના સંપર્કમાં છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ હવે પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIના સ્લીપર સેલ સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. કારણ કે Paytm વોલેટ મારફતે ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટ ભારતની જ બેંકોના હોવાનું સામે આવ્યું છે અને હવે તે એકાઉન્ટ કોણ અને ક્યાંથી ઉપયોગ કરી રહ્યું છે તેની તપાસ બાદ ઘણા નવા ખુલાસા થઈ શકે છે.