જૂનાગઢમાં (Junagadh) દૂધધારા પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે. દેવદિવાળીએ ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. તે પહેલા ગિરનારની દુધધારા પરિક્રમા કરવામાં આવે છે. આજથી ગિરનારની દૂધધારા પરિક્રમાનો ભવનાથ મંદિરેથી થઈ ગયો છે. મોટી સંખ્યામાં આ પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ જંગલ તરફ રવાના થઈ ગયા છે. તો, જંગલ વિસ્તારમાં વન વિભાગનો સ્ટાફ પણ તૈનાત છે. લીલી પરિક્રમાનાં રૂટ ઉપર જ દૂધધારા પરિક્રમા કરવામાં આવે છે. આ પરિક્રમામાં ગિરનાર ફરતે દૂધની ધાર કરવામાં આવે છે. એક પાત્રમાંથી સતત દૂધની ધાર વહેતી રહે છે. ગિરનારના પગથિયે દોરી બાંધી દર વર્ષે જેઠ વદ અગિયારસના દિવસે એટલે યોગિની એકાદશીના પવિત્ર દિવસે પરિક્રમા કરવામાં આવે છે. માલધારીઓ અને ભાવિકો દ્રારા ગિરનારની ફરતે દૂધની ધારા કરવાની 70 વર્ષ જૂની પરંપરા ચાલી રહી છે. આ પરિક્રમામાં ગિરનારની 36 કિલોમીટરની ફરતે પરિક્રમા કરવામાં આવે છે.
ગત વર્ષે 400- 400ના જૂથમાં યોજાઈ હતી પરિક્રમા
મહત્વનું છે કે, દરવર્ષે ગિરનારની પરિક્રમા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે. ગત વર્ષે શ્રદ્ધાળુઓના ભારે હોબાળા બાદ જૂનાગઢમાં સરકારની કોરોના ગાઈડલાઈન પ્રમાણે લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. સરકારે 400- 400ના જૂથમાં જ પરિક્રમાની મંજૂરી આપી હતી. કોઈ શ્રદ્ધાળુ જંગલમાં રાતવાસો ન કરવાનો નીયમ લાગુ કરાયો હતો. ગિરનારની પરિક્રમા કરવા માટે તંત્રએ અગાઉ માત્ર 400 સાધુ, સંતોને જ મંજૂરી આપી હતી. પરંતુ પરિક્રમા કરવા ભાવિકો ભવનાથમાં આવી પહોંચ્યા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આખરે કલેક્ટરે 400- 400 લોકોના જૂથને પરિક્રમા કરવા શરતો સાથે મંજૂરી આપી હતી. આમ ભાવિકોની લાગણી સામે તંત્રએ નમતું જોખવું પડયું હતું.
બીજી તરફ ગઈ કાલે જિલ્લામાં વરસાદ પણ વરસ્યો હતો. જિલ્લાના માંગરોળના કારેજમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો હતો. ખેડૂતોએ વરસાદનું પાણી કુવામાં રીચાર્જ કર્યું હતું. જોકે, વરસતા વરસાદ સાથે વીજકાપની સમસ્યા શરૂ થઇ હતી. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં એક કલાકમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે ધ્રોલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસ પલળી ગઇ હતી. માર્કેટ યાર્ડમાં કપાસ સહિતના પાકને વરસાદથી નુકશાન થયું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયું હતું