ભવનાથ (Bhavnath) ખાતે યોજાતો મહા શિવરાત્રી (mahashivratri) નો મેળો આખા દેશમાં પ્રસિદ્ધ છે. ત્યારે આજે અહીં મહાદેવના દર્શન કરવા લોકોનું ઘોડાપૂર આવી રહ્યું છે. સામાન્ય લોકોની સાથે અહીં સાધુ સંતોનો પણ જમાવડો જોવા મળે છે. મહા વદ નોમથી ભવનાથ મહાદેવને ધ્વજા અર્પણ કરી પાંચ દિવસના અહીં મેળાની શરૂઆત થાય છે ત્યારે આજના વિશેષ દિવસે દાદાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો જૂનાગઢ (junagadh) ભવનાથ પહોંચ્યા હતા.
આજે મેળાના અંતિમ દિવસે શિવરાત્રિના દિવસે મધ્ય રાત્રિના દિગંબર સાધુઓની રવાડી નીકળશે અને મૃગી કુંડમાં શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે. 25 ફેબ્રુઆરીથી ભવનાથમાં શિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો હતો. કોરાનાના કારણે બે વર્ષથી મેળો થયો ન હોય લોકોની ભીડ જોવા મળી હતી. અંદાજે 8 લાખ કરતાં વધુ ભાવિકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું છે. મેળામાં દિગંબર સાધુઓના દર્શન કર્યા હતા. મહા વદ નોમથી શરૂ થયેલો મેળો મહા વદ તેરસના મધ્યરાત્રિએ પૂર્ણ થાય છે. આજે શિવરાત્રિ હોય મેળો મધ્ય રાત્રિના પૂર્ણ થશે.
ભવનાથનાં મેળામાં શિવરાત્રિનાં દિવસે મધ્ય રાત્રિના દિગંબર સાધુઓ અંગ કસરત, તલવારબાજી, લાઠી દાવ સહિતના દાવ કરશે. બાદ રવાડી મૃગી કુંડે પહોંચશે. મૃગી કુંડમાં શાહી સ્નાન કરશે. શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ થશે. રાત્રિના નીકળનાર રવાડીને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રવાટી રૂટ આગળ બેરીકેટ બાંધી દેવામાં આવશે. જો કે રવાડી નિહાળવા માટે લોકો સાંજના પાંચ વાગ્યેથી રૂટ ઉપર ગોઠવાઈ જશે. આજે મેળાનો છેલ્લો દિવસ હોય સવારથી જ ભવનાથ તરફનાં વાહનમાં ભીડ જોવા મળી હતી. બપોર બાદ તમામ વાહન બંધ કરી દેવામાં આવ્યા હતા.
ભવનાથનો મેળો એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય. મહાશિવરાત્રીના દિવસે દેશ-વિદેશથી લોકો આ મેળામાં ભાગ લેવા માટે પહોંચે છે..આ મેળામાં સાધુ અને નાગાબાબાની રવેડી મુખ્ય આકર્ષણ હોય છે. ભવનાથ તળેટીમાંથી રાતે 9 વાગે રવેડીનું ભવનાથ મહાદેવ મંદિરેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ વખતે નિયમો હળવા થતા મોટી સંખ્યામાં લોકો જુનાગઢ ભવનાથ ખાતે પહોંચ્યા હતા.સામાન્ય લોકોની સાથે સાથે સાધુ સંતોએ પણ મહાદેવની આરાધના કરી. મેળામાં કિન્નર અખાડાના ઉજ્જૈનના મહામંડલેશ્વર પવિત્રામાઈ પણ પહોંચ્યા હતા. તેમણે પણ મહાદેવાની આરાધના કરી વિશ્વકલ્યાણની પ્રાર્થના કરી.
આ પણ વાંચો : Banaskantha: યુક્રેનમાં ફસાયેલા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓને હુંફ આપવા અધિકારીઓ સામેથી તેમના ઘરે પહોંચ્યા