JAMNAGAR : ભારે વરસાદને કારણે જામનગરની જીવાદોરી સમાન સાસોઈ ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં આનંદ

|

Sep 15, 2021 | 7:22 PM

સાસોઈ ડેમમાં વિપુલ જળરાશિ ભરાતા હવે પીવાના અને સિંચાઈના પાણીની ચિંતા લગભગ ટળી ગઈ છે. આ ડેમ થકી 35 ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

JAMNAGAR : ભારે વરસાદને કારણે જામનગરની જીવાદોરી સમાન સાસોઈ ડેમ ઓવરફ્લો, ખેડૂતોમાં આનંદ
Jamnagar : Sasoi Dam overflows following heavy rainfall in catchment areas

Follow us on

JAMNAGAR : જામનગરમાં ભારે વરસાદને કારણે નદી, નાળા, તળાવો, ચેકડેમો, ડેમો વગેરે જળાશયો છલકાયા છે. તે પૈકી જામનગરની જીવાદોરી સમાન સાસોઈ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે સાસોઇ ડેમ પણ છલકાયો છે. સાસોઈ ડેમ દોઢ ફૂટ જેટલો ઓવરફ્લો થયો છે. ડેમ છલકાવાથી નયનરમ્ય દૃશ્યો સર્જાયા હતા. સાસોઈ ડેમમાં વિપુલ જળરાશિ ભરાતા હવે પીવાના પાણીની ચિંતા લગભગ ટળી ગઈ છે. આ ડેમ થકી 35 ગામોને સિંચાઇનું પાણી આપવામાં આવે છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસોથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. જેના કારણે રાજયના વિવિધ જિલ્લાઓની જીવાદોરી સમાન અનેક ડેમોમાં નવા નીર આવ્યા છે. જેથી ખેડૂતોમાં ખુશાલીનો માહોલ છે.જામનગરના મોટાભાગના જળાશયો ભર્યા છે જેને કારણે ભૂગર્ભ જળસપાટી પણ વધી છે, જેથી હવે ખેડૂતોના સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ નથી રહ્યો. રવિપાકને પણ પિયત માટે પૂરતું પાણી મળી રહેશે. સાસોઈ ડેમ છલકાઈ જતા ખેડૂતો સહિત લોકોમાં ભારે આનંદની લાગણી વ્યાપી છે.

સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં 22 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે. જેથી આ ત્રણેય જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે. જામનગરના કાલાવડમાં 22 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. જેથી સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

નોંધનીય છે કે થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી તમામ ડેમના તળિયાઝાટક હતા. ત્યારે ભાદરવા મહિનામાં ભારે વરસાદથી તમામ ડેમોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે.

આ પણ વાંચો : GIR SOMNATH : 15 દિવસ પહેલા તળિયાઝાટક હિરણ-2 ડેમ છલોછલ ભરાયો, ડેમનો 1 દરવાજો ખોલાયો

Next Video