Indian Army : કોરોના અને તાઉ તે વાવાઝોડા સામે લડતા ગુજરાતને સૈન્ય જવાનોનો સાથ

|

May 19, 2021 | 6:11 PM

કોરોનાની મહામારી હોય કે તાઉ તે વાવાઝોડું, બંને પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે ઇન્ડિયન આર્મી અને એરફોર્સના જવાનોએ રાત - દિવસ મહેનત કરી છે.

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે પણ ભારતની ધરતી પર કોઇ સંકટ આવ્યુ છે ત્યારે ભારતીય આર્મી અને ભારતીય જવાનો દેશના લોકોની રક્ષા કરવા આગળ આવ્યા છે. અને ઇતિહાસ એ વાતનો પણ સાક્ષી છે કે જ્યારે પણ ભારતીય જવાનોએ મોર્ચો સંભાળ્યો છે ત્યારે ત્યારે દેશ પરથી સંકટ ટળી ગયુ છે.

સરહદ પર દુશ્મનો સામેની જંગ હોય કે આતંકવાદ સામે પ્રજાની સુરક્ષા, દેશમાં કોઇ કુદરતી આફત આવી હોય કે કોઇ રોગચાળો ફાટી નિકળ્યો હોય ભારતીય સેનાના જવાનો હર હંમેશ લોકોની મદદ માટે પોતાનો જીવ જોખમમાં મુકવા તૈયાર હોય છે.

કોરોનાની મહામારી હોય કે તાઉતે વાવાઝોડું બંને પરિસ્થિતીને કાબૂમાં લેવા માટે ઇન્ડિયન આર્મી અને એરફોર્સના જવાનોએ રાત -દિવસ મહેનત કરી છે. ગુજરાતમાં જ્યારે તાઉતે વાવાઝોડુ તાંડવ મચાવી રહ્યુ હતુ ત્યારે સેનાના જવાનો રેસ્ક્યૂ કરવા ભગવાન બનીને લોકો સમક્ષ આવ્યા. જાત-પાત, ઉંચ-નીચનો ભેદભાવ કર્યા વગર ખડેપગે લોકોની સેવા કરી.

તાઉતે વાવાઝોડાને પગલે ગુજરાતમાં આર્મીની 180 જેટલી ટીમોએ રાત-દિવસ તૈનાત રહી ને ગુજરાતને મોટા નુક્શાનથી બચાવી લીધુ. સેનાની અલગ અલગ ટુકડીઓએ સ્થાનિક તંત્ર સાથે તાલમેલ સાધીને જનતા સુધી મદદ પહોંચાડવામાં કોઇ કસર છોડી નથી.

ગાઢ અંધારામાં પણ તોફાની પવનનો સામનો કરીને અસરગ્રસ્તો સુધી મદદ પહોંચાડી, લોકોનું સ્થળાંતર, અસરગ્રસ્તો સુધી પાણી, ખોરાક અને દવાઓ પહોંચાડી. એક તો કોરોનાની મહામારી અને સાથે ચક્રવાતી વાવાઝોડાથી પિડાઇ રહેલા ગુજરાત માટે કોવિડ પ્રોટોકોલને જાળવીને 24 કલાક તેમણે કામ કર્યુ.

પહેલાથી જ સેનાના જવાનો કોરોના મહામારી સામે લડવામાં દેશની મદદ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી હતી ત્યારે ભારતની ત્રણેય સેનાઓએ મોર્ચો સંભાળી લીધો હતો. જ્યારે હોસ્પિટલમાં બેડની અછત વર્તાઇ ત્યારે આર્મી હોસ્પિટલોને દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવી.

જ્યારે ભારતમાં કોરોનાના દર્દીઓ દવાઓ, વેંટિલેટર અને ઓક્સિજન માટે વલખા મારી રહ્યા હતા ત્યારે ભારતીય સેના તેમને રાહતના શ્વાસ પહોંચાડવા માટે રાત દિવસ કામે લાગી, હવાઇ માર્ગ, જળ માર્ગ અને માર્ગ ત્રણેય દ્વારા ઓક્સિજન , વેંટિલેટર અને દવાઓ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવ્યા.

અન્ય દેશોથી આવતી મદદને વાયુસેના દ્વારા ઝડપથી દેશના વિવિધ સ્થળોએ પહોંચાડવામાં આવી. પોતાના જીવ જોખમમાં મુકીને પોતોના પરિવારને ચિંતામાં મુકીને આ ભારત માતાના સપુતો દેશના લોકોની સેવા કરે છે.

Next Video