છેલ્લા ચાર પાંચ દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસાદ ધોધમાર વરસ્યો છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા સહિત ઉપરવાસ વિસ્તાર રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં પણ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસરને લઈ સતત ધોધમાર વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. રાજસ્થાન તરફથી આવતી નદીઓમાં પણ પાણી આવવવાને લઈ સ્થાનિક ઉત્તર ગુજરાતના જળાશયોમાં જળ સ્તરમાં વધારો થયો છે. ધરોઈ, દાંતીવાડા અને સીપુ ડેમ સહિતના જળાશયોમાં સતત ત્રીજા દિવસે જળ સપાટીમાં વધારો નોંધાયો છે.
સોમવારે વહેલી સવારે ફરીથી ધરોઈ સહિતના જળાશયોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. ધરોઈમાં સોમવારે 41 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. દાંતીવાડા જળાશયમાં પણ 27 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. આમ સતત આવકને લઈ જળાશયોમાં નોંધપાત્ર જળસંગ્રહમાં વધારો કર્યો છે. જેને લઈ સિઝનની શરુઆતે જ જળાશયોમાં સ્ટોરેજ રાહત રુપ થઈ શક્યુ છે.
ઉત્તર ગુજરાતના જળાશયોમાં વાત કરવામાં આવેતો ધરોઈ જળાશયમાં સતત ત્રણ દિવસથી પાણીની આવક નોંધાઈ રહી છે. સાબરમતી નદી અને તેની ઉપનદીઓમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પનારી અને હરણાવ નદીઓમાં પણ સ્થાનિક અને સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈ પાણી વહી રહ્યા છે. રાજસ્થાનમાં ભારે વરસાદને લઈ પનારી અને સાબરમતી નદીમાં પાણી બે કાંઠે વહ્યા છે. આમ ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધપાત્ર રહી હતી. ધરોઈમાં મધ્યરાત્રીના 12 કલાકથી પાણીની આવકમાં બમણો વધારો થયો હતો. સોમવારે સવારે 4 વાગે આવકમાં ફરી વધારો નોંધાયો હતો, જે 41111 ક્યુસેક સુધી સોમવારે સવારે 7 વાગે પહોંચી હતી. સવારે 9 કલાકે પણ આજ સ્થિતી રહી હતી.
ધરોઈ ડેમમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાથી સતત પાણીની આવક નોંધાઈ રહી છે. ગત શનિવારે ધરોઈ ડેમની સ્થિતી 41.01 ટકા જળજથ્થો ધરાવતી હતી. સોમવારે સવારે 9 કલાકે ધરોઈ જળાશયમાં જળ જથ્થો 48.37 ટકાએ પહોંચ્યો છે. આમ 7 ટકાથી વધારે જળ જથ્થો ધરોઈ ડેમમાં વધ્યો છે. જ્યારે સપાટી ત્રણેક ફુટ જેટલી વધી છે.
સોમવારે સવારે દાંતીવાડા ડેમમાં પણ વધારો નોંધાયો હતો. બનાસ નદીમાં પાણીની આવક થતા, દાંતીવાડા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો હતો. સોમવારે સવારે 5 કલાકે પાણીની આવક 42 હજાર ક્યુસેક નોંધાઈ હતી. જે સોમવારે સવારે 9 કલાકે 23 હજાર ક્યુસેક હતી. શનિવારે સવારે 7 કલાકે દાંતીવાડા ડેમમાં 21.43 ટકા જળ જથ્થો હતો. જે સોમવારે સવારે 9 કલાકે 52.89 ટકાએ પહોંચ્યો છે.
ગત શનિવારે સવારે 7 કલાકે સીપુ ડેમ તળીયા ઝાટક સ્થિતીમાં જોવા મળી રહ્યો હતો. જળ જથ્થો માંડ 2.36 ટકા હતો. જે હાલમાં 19.67 ટકાએ જળજથ્થો પહોંચ્યો છે. પરંતુ રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈ સીપુ નદીમાં પાણીની આવક વધી હતી. સીપુ ડેમમાં સોમવારે સવારે 5 કલાકે આવક વધીને 14930 ક્યુસેક નોંધાઈ હતી. સવારે 9 કલાકે આવક 9348 ક્યુસેક નોંધાઈ હતી.
મુક્તેશ્વર જળાશયળમાં પણ આવકમાં વધારો થયો છે. સોમવારે વહેલી સવારથી પાણીની આવકની શરુઆત થઈ હતી. જે સવારે 4250 ક્યુસેક રહી હતી. જોકે સવારે 9 કલાકે આવકમાં ઘટાડો થઈને 1 હજાર ક્યુસેક પર પહોંચી હતી. જોકે જળાશયમાં સાડા ચાર ટકા જેટલા જળ જથ્થામાં વધારો નોંધાયો હતો.
Published On - 9:53 am, Mon, 19 June 23