Gujarat: ગુજરાતે કોરોનાને પણ હરાવ્યું અને આર્થિક તાકાતને જાળવી રાખવામાં પણ સફળ, વાંચો ગુજરાતે આપેલી લડતની સ્ટ્રેટેજી

|

Jun 10, 2021 | 5:18 PM

Gujarat: ફક્ત 1 ટકા એક્ટિવ કેસીસ રેશિયો સાથે 98% રિકવરી રેટ હાંસલ કરવામાં ગુજરાત સફળ થઈ ગયું છે. કોરોના (Corona) મહામારીની ઘાતક બીજી લહેર (Second Wave) સમગ્ર દેશમાં ફેલાયા પછી, ગુજરાત ભારતના એવા કેટલાંક જૂજ રાજ્યોમાં સામેલ છે, જેણે કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર રિકવરી નોંધાવી છે.

Gujarat: ગુજરાતે કોરોનાને પણ હરાવ્યું અને આર્થિક તાકાતને જાળવી રાખવામાં પણ સફળ, વાંચો ગુજરાતે આપેલી લડતની સ્ટ્રેટેજી
File Picture of CM Vijay Rupani

Follow us on

Gujarat: ફક્ત 1 ટકા એક્ટિવ કેસીસ રેશિયો સાથે 98% રિકવરી રેટ હાંસલ કરવામાં ગુજરાત સફળ થઈ ગયું છે. કોરોના (Corona) મહામારીની ઘાતક બીજી લહેર (Second Wave) સમગ્ર દેશમાં ફેલાયા પછી, ગુજરાત ભારતના એવા કેટલાંક જૂજ રાજ્યોમાં સામેલ છે, જેણે કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર રિકવરી નોંધાવી છે. બીજી લહેર દરમિયાન ફેલાયેલો કોરોના વાયરસનો સંક્રમણ દર તેમજ દૈનિક પોઝિટિવ કેસોની સંખ્યા અને કોરોનાને લીધે થતાં મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ગુજરાત સફળ રહ્યું છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં જે રીતે કોરોના વાયરસનો વ્યાપ વધ્યો હતો તેને જોતાં ગુજરાતમાં થયેલી રિકવરી ખરેખર પ્રભાવિત કરનારી છે. 7 જૂન, 2021ની તારીખે ગુજરાતમાં 2% ના એક્ટિવ રેશિયો સાથે કોવિડ-19ના ફક્ત 16,162 એક્ટિવ કેસીસ જ છે, જ્યારે તેની સામે રાજ્યના 7, 90, 906 લોકો કોરોનાથી સાજા થયા છે અને તે સાથે જ રાજ્યનો રિકવરી રેટ 96.8% જેટલા ઊંચા દરે પહોંચ્યો છે. રાજ્યનો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો પણ ઘટીને 1.4% પર પહોંચ્યો છે, જે દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ઓછો થઈ ગયો છે.

કોરોના મહામારીની બીજી લહેરની શરૂઆત થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની સરકાર પર વિપક્ષોએ હલ્લો બોલાવ્યો હતો અને તેમણે એ આશા પણ નકારી કાઢી હતી કે ભારતનો રિકવરી ગ્રાફ વી (V) આકારનો હશે, એટલે કે ભારતમાં રિકવરી ખૂબ ઝડપી રીતે થશે, જો કે ગુજરાત આ બધામાં ઝડપથી રિકવરી મેળવવામાં સફળ રહ્યું.

રાજ્યમાં એક્ટિવ કેસીસનો ગ્રાફ

રાજ્યમાં એક્ટિવ કેસીસનો ગ્રાફ ઇન્વેર્ટેડ વી (V) આકારનો છે, જે દર્શાવે છે કે બીજી લહેરનો સૌથી ખરાબ તબક્કો હવે પૂરો થઈ ગયો છે અને હવે કેસીસનો આંકડો એપ્રિલની શરૂઆત પહેલા જે સ્તર પર હતો તેની આસપાસ પહોંચી ગયો છે. આ ઉપરાંત, ગુજરાત ભારતના મહત્વાકાંક્ષી રસીકરણ અભિયાનને ત્વરિત ગતિએ આગળ વધારનારા રાજ્યોમાંનું એક છે.

અઠવાડિયાઓ સુધી મહારાષ્ટ્રના નેતાઓએ એવો દાવો કર્યો કે મહારાષ્ટ્રએ સૌથી વધુ સંખ્યામાં કોવિડ-19નું રસીકરણ કર્યું છે, જે સામે ગુજરાતનું વહીવટીતંત્ર રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા માટે રાજ્યની આરોગ્ય નીતિમાં માળખાકીય પરિવર્તન લાવવા અને તેનું અમલીકરણ કરવામાં વ્યસ્ત હતું. પરિણામસ્વરૂપે, ગુજરાતે ખૂબ ઝડપથી ટોચના એ રાજ્યોમાં સ્થાન મેળવી લીધું, જ્યાં રસીના બંને ડોઝ મેળવનારી વસ્તીની ટકાવારી સૌથી વધુ છે. ગુજરાતની કુલ વસ્તીના આશરે 6.4 ટકા લોકોનું સંપૂર્ણ રસીકરણ થઈ ચૂક્યું છે, જેની સામે મહારાષ્ટ્રની ટકાવારી ફક્ત 4 ટકા નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોનાને પણ હરાવ્યો અને આર્થિક મોરચે પણ સફળતા

ગુજરાત મોડલ, જેના કારણે કોરોના મહામારીની બીજી લહેર પછી રાજ્યને ઝડપી રિકવરી મેળવવામાં મદદ મળી તેમાં આઉટ ઓફ લીગ જઈને લોકડાઉનને લગાડવું મુશ્કેલ હતું છતા પણ સ્પસ્ટ  નિર્ણય કરી ગરીબોની અને શ્રમિકોને ધ્યાનમાં રાખવાનો મુખ્યપ્રધાન વિજય રુપાણીનો નિર્ણય સાચો સાબિત થયો. સૌપ્રથમ ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે ગુજરાતે બીજી લહેર દરમિયાન ક્યારેય પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ નહોતું કર્યું. કોરોના મહામારીની પ્રથમ લહેર દરમિયાન રાજ્યના લોકોને પહેલાં જ ખૂબ આર્થિક નુકસાન થઈ ચૂક્યું હતું.

આ બાબતને ધ્યાને રાખીને ગુજરાતની વિજય રૂપાણીની સરકારે, મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યો દ્વારા જે સંપૂર્ણ પ્રતિબંધો લાદવાનો અભિગમ અપનાવવામાં આવ્યો, તેને બદલે વધુ આયોજનબદ્ધ અને સંતુલિત પદ્ધતિથી આ મહામારીનો સામનો કરવાનો નિર્ણય કર્યો. પરિણામે, રાજ્યમાં કોરોના વાયરસની ગાઈડલાઈન્સના કડકાઈથી પાલન કરવાની સાથે આર્થિક પ્રવૃત્તિઓ સતત ચાલુ રહી.

રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરીને ગરીબ લોકોની આવક પર પ્રહાર કરવાને બદલે ગુજરાત સરકારે એવા વિસ્તારોમાં માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન્સ સ્થાપિત કરવાની સ્ટ્રેટેજી અપનાવી, જ્યાં કોવિડ-19ના કેસોની સંખ્યા અમુક ચોક્કસ આંકડાથી ઉપર હોય. જો સક્રિય કોવિડ-19 કેસોની સંખ્યા પૂર્વ નિર્ધારિત સંખ્યાને પાર કરી જાય, તો એવા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સીસ અને ગેટેડ કોમ્યુનિટીઓને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન્સ જાહેર કરવામાં આવતા હતા.

આ સ્ટ્રેટેજીને પરિણામે, આર્થિક પ્રવૃત્તિઓ પણ ચાલુ રાખી શકાઈ અને ફક્ત એ જ વિસ્તારોને બંધ કરવા પડ્યા જ્યાં કોરોનાના કેસીસમાં ઉછાળો નોંધાયો હતો. આમ, લોકડાઉન અને અર્થવ્યવસ્થા બંને વચ્ચે સંતુલન જાળવી શકાયું.

જાન ભી હૈ જહાન ભી હૈ 

ગુજરાતમાં ક્યારેય પણ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં નહોતું આવ્યું, તેમ છતાં પણ કોરોના મહામારીના કારણે આર્થિક પ્રવૃત્તિઓને અસર તો થઈ જ હતી. આ અંગે મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ એક સંવેદનશીલ નિર્ણય કરીને કોરોના મહામારીથી અસરગ્રસ્ત રાજ્યમાં સ્થિત હોટલો, રિસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટર પાર્ક્સને એક વર્ષ માટે એટલે કે 1 એપ્રિલ, 2021થી 31 માર્ચ, 2022 સુધી પ્રોપર્ટી ટેક્સ તેમજ ઇલેક્ટ્રિસિટી બિલના ફિક્સ્ડ ચાર્જિસમાંથી રાહત આપી છે. આ નિર્ણયની જાહેરાત સાથે જ ગુજરાત એવાં કેટલાંક રાજ્યોમાં સ્થાન પામ્યું છે, જેમણે મહામારી પછી આર્થિક સંકટનો સામનો કરવામાં ધંધા-ઉદ્યોગોની મદદ કરી છે.

ઉદ્યોગજૂથો અને મંદિરોનો ઉપયોગ

કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન મેડિકલ ઓક્સિજનનો સપ્લાય એ ફક્ત ગુજરાત જ નહીં પરંતુ દેશના ઘણા રાજ્યોમાં એક મોટી સમસ્યા હતી. કોવિડ-19ની બીજી લહેરે શ્વસનની ગંભીર બીમારી નોતરી હતી, આ વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે ઓક્સિજન પ્લાન્ટ્સ ઉભા કર્યાં. રાજ્ય સરકારે ઝડપથી ઓક્સિજનનું ઉત્પાદન વધાર્યું, કે જેથી ફક્ત રાજ્યની જ નહીં પરંતુ પાડોશી રાજ્યોની ઓક્સિજનની જરૂરિયાત પણ પૂરી કરી શકાય.

આ પહેલના મુખ્ય લાભાર્થી રાજ્યોમાં મહારાષ્ટ્ર પણ એક હતું, કારણ કે ત્યાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતની ફેસિલિટિઓમાં તૈયાર થયેલો ઓક્સિજન એરલિફ્ટ કરવામાં આવતો હતો. કોરોના મહામારીના આ પ્રકોપને પહોંચી વળવા માટે એ તમામ લોકોની મદદ લેવામાં આવી જેઓ રાજ્ય સરકારને મદદ કરવા માટે ઇચ્છુક હતા.

કોરોના વાયરસના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે રાજ્ય સરકારને સક્રિય મદદ મળે તે હેતુથી વિજય રૂપાણીની સરકારે ખાનગી ક્ષેત્રને પણ આ કાર્યમાં જોડ્યું. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ આ સમયે રાજ્ય સરકારની મદદે આવી અને પોતાની જામનગરની ફેસિલિટીને ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે કાર્યરત કરી. એક તબક્કે રિલાયન્સ મેડિકલ ઓક્સિજનની સૌથી મોટી ઉત્પાદક કંપની બની, જેણે દેશના કુલ ઓક્સિજન ઉત્પાદનમાં આશરે 11 ટકાનો હિસ્સો નોંધાવ્યો.

રિલાયન્સે મેડિકલ ઓક્સિજનનું પ્રતિદિન 0થી 1000 મેટ્રિક ટન નિઃશુલ્ક ઉત્પાદન ઝડપથી કરી શકાય તે માટે પોતાના સંસાધનોને ડાયવર્ટ કર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જણાવ્યા પ્રમાણે, પોતાની દૈનિક 1000 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા સાથે કંપની આજે દૈનિક સરેરાશ 1 લાખથી વધુ લોકોની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરી રહી છે.

એપ્રિલ મહિનાની શરૂઆતમાં રિલાયન્સે તેની ગુજરાત ખાતેની રિફાઇનરીમાંથી મહારાષ્ટ્રને નિઃશુલ્ક ઓક્સિજન મોકલવાનું શરૂ કર્યું હતું. તે સમયે કોવિડ-19ના સતત વધી રહેલા કેસોને કારણે મહારાષ્ટ્ર ઓક્સિજનની ભયંકર અછતનો સામનો કરી રહ્યું હતું. ત્યારે કંપની તેના પેટ્રોલિયમ કોક ગેસિફિકેશન માટે વપરાતા ઓક્સિજનને મેડિકલ ઉપયોગ માટે લાયક બનાવીને તે ઓક્સિજન મહારાષ્ટ્રને મોકલી રહી હતી.

આ ઉપરાંત, કંપનીએ ઓક્સિજનના ટ્રાન્સપોર્ટેશન માટે ઓછામાં ઓછા 24 ISO કન્ટેઇનર્સ પણ એરલિફ્ટ કર્યા હતા, જેના કારણે ભારત માટે ટ્રાન્સપોર્ટેશનની ક્ષમતામાં 500 મેટ્રિક ટનનો એડિશનલ વધારો થયો હતો. આ સાથે જ રિલાયન્સે ગુજરાતના જામનગરમાં અવિરત ઓક્સિજન સપ્લાય સાથેની 1000 બેડ્સની હોસ્પિટલ પણ ઉભી કરી હતી.
આ ઉપરાંત, કોરોના મહામારી સામે લડવા માટે ગુજરાત સરકારે અદાણી ગ્રુપની પણ મદદ માંગી હતી. અદાણી ગ્રુપ દ્વારા અમદાવાદમાં ચલાવવામાં આવતી સ્કૂલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી હતી. આ સેન્ટર મારફતે અદાણી ફાઉન્ડેશને દર્દીઓને બેડ્સ, પોષણયુક્ત આહાર અને અન્ય મેડિકલ સુવિધાઓ પ્રદાન કરી હતી.

જ્યારે સમગ્ર દેશમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેરનો સામનો કરી રહ્યો હતો ત્યારે આ બિઝનેસ ટાયકૂન્સે ગુજરાત અને સમગ્ર દેશની મદદ માટે હાથ લંબાવ્યો હતો.
આ ઉપરાંત, મહામારીનો સામનો કરવા માટે રાજ્યના મંદિરો પણ ગુજરાત સરકારની મદદ માટે આગળ આવ્યાં હતાં. શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટે પ્રભાસ પાટણના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે રૂ.50 લાખનું દાન કર્યું હતું.

એક અહેવાલ મુજબ, આ પ્લાન્ટ દરરોજ લગભગ 51 ઓક્સિજન સિલિન્ડરો આપતો હતો. તે સિવાય, ટ્રસ્ટે રાજ્ય સરકારને પોતાનું લીલાવતી ભવન પણ કોવિડ કેર ફેસિલિટી તરીકે કાર્યરત કરવા માટે આપી દીધું હતું. અન્ય કેટલાંક અહેવાલો પ્રમાણે, શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ મહામારી દરમિયાન જરૂરતમંદોની મદદ માટે રસોડું અને ટિફિન સર્વિસ પણ ચલાવે છે.
આ ઉપરાંત, વડોદરાનું બાપ્સ (BAPS) સ્વામીનારાયણ મંદિર પણ કોરોના મહામારીનો સામનો કરવા માટે ગુજરાત સરકારની મદદે આવ્યું હતું. તેઓએ પોતાના યજ્ઞપુરુષ સભાગૃહને કોવિડ-19 ફેસિલિટીમાં ફેરવી નાંખ્યું, જેમાં કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓની સારવાર માટે 500 બેડ્સ, લિક્વિડ ઓક્સિજન ટેંક્સ અને પાઈપ્ડ ઓક્સિજન લાઇન્સ જેવી ઓક્સિજન સુવિધાઓ, આઇસીયુ બેડ્સ અને વેન્ટિલેટર્સ જેવી સુવિધાઓ છે.

આમ, કોરોના વાયરસના વધી ગયેલા વ્યાપને નિયંત્રિત કરીને તેને રોકવા માટે ગુજરાતે એક સર્વાંગી અભિગમ અપનાવ્યો, જેમાં મોટાં કોર્પોરેટ હાઉસીસ અને રાજ્યના મંદિરોની પણ મદદ લેવામાં આવી. તેના પરિણામે, ગુજરાત કોવિડ-19ની બીજી લહેરને કારણે ઊભી થયેલી મુશ્કેલીઓને અતિક્રમીને ઝડપથી રિકવર થવામાં સફળ રહ્યું છે.

Published On - 5:12 pm, Thu, 10 June 21

Next Video