
રાજકોટ, ગોંડલના પાઉંભાજીના વેપારીના પુત્ર રાજકુમાર જાટના મોત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તે યુવકનો મૃતદેહ પુલ નીચેથી મળ્યો હતો જે મામલે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનો હાથ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે હાઈકોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી હતી. ત્યારે ટીમે ખુલાસો કર્યો છે કે રાજકુમારના મોતના કેસમાં ગણેશ ગોંડલની કોઈ જ ભૂમિકા નથી. જે બાદ આ કેશમાં ગણેશ ગોંડલને ક્લિન ચીટ મળી છે.
મળતી માહિતી મુજબ રાજકુમારના કેસમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને મળી ક્લીન ચીટ મળી ગઈ છે. SITની તપાસમાં ગણેશ ગોંડલની કોઇ જ ભૂમિકા ન હોવાનો ખુલાસો કર્યો છે. નાર્કો ટેસ્ટ, સાહેદોના નિવેદન અને પુરાવાને આધારે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી છે. હવે આગળ SITએ હાઇકોર્ટમાં રજૂ કરેલા રિપોર્ટની વધુ સુનાવણી 29 જૂને થશે.
મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ આ ઘટનાને સામાન્ય અકસ્માત તરીકે માન્ય ન રાખતા તેને હત્યા ગણાવી છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તેમના પુત્ર ગણેશ જાડેજા પર ગંભીર આરોપો મૂક્યા છે. આ મુદ્દે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ સાથે અરજી કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર વચ્ચે નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે અંદાજે 15 ડિસેમ્બર સુધીમાં તેનો રિપોર્ટ તૈયાર થઈ જશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારબાદ આ રિપોર્ટ સાથેની વીડિયોગ્રાફી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર રાજકુમાર જાટ નામના યુવકને મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 9 માર્ચ, 2025ના રોજ રાજકુમારના પિતા રતનલાલ જાટે આ ગંભીર આક્ષેપ કર્યો હતો. આ ઘટનાના બાદ રાજકોટ–અમદાવાદ હાઇવે પર તરઘડિયા પાસે આવેલા ઓવરબ્રિજ નજીક રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન ગુજરાત હાઇકોર્ટે નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. તેના આધારે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં 9 ડિસેમ્બરથી ગણેશ જાડેજાની મેડિકલ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે આ પરીક્ષણ દરમિયાન શું માહિતી સામે આવી છે તેની અંગે હાલમાં સુધી એસઆઈટી તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
(With Input: મોહીત ભટ્ટ)
Published On - 12:25 pm, Mon, 9 March 26