Grade Pay: રાજ્યના પોલીસવિભાગ માટે ખુશીના સમાચાર, આ મહિનાથી જ નવા નવા ગ્રેડ-પે મુજબ ચુકવાશે વેતન

|

Aug 27, 2022 | 1:31 PM

Grade Pay: રાજ્યના પોલીસવિભાગ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગૃહવિભાગ દ્વારા પોલીસકર્મીઓ માટે જાહેર કરાયેલા નવા ગ્રેડ-પે મુજબ તેમને ચાલુ મહિનાથી જ પગારવધારો આપવામાં આવશે. જેને લઈને સોમવાર સાંજ સુધીમાં નવો જી.આર પણ જાહેર કરી દેવામાં આવશે.

રાજ્યના પોલીસ વિભાગ(Police Departmenet)માં આનંદના સમાચાર સામે આવ્યા છે. સોમવાર સાંજ સુધીમાં નવા ગ્રેડ-પે (Grade-Pay)ના જી.આર જાહેર કરાશે. આ મહિનાથી જ નવો પગાર વધારો અમલમાં આવશે. જી.આર.ને આખરી ઓપ આપવા માટે ગૃહવિભાગની ઓફિસમાં ધમધમાટ જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગૃહ વિભાગ દ્વારા નવા ગ્રેડ પેની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને રાજ્યમાં એક અલગ પ્રકારનો આનંદ જોવા મળી રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ પોલીસ વિભાગના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.

સોમવાર સાંજ સુધીમાં નવો જી.આર. જાહેર કરી દેવાશે

જો કે કેટલાક અહેવાલ એવા પણ સામે આવ્યા હતા કે આ મહિનાથી આ ગ્રેડ પેનો અમલ નહીં થાય,આ બાબતે ચકાસણી કરતા જાણવા મળ્યુ છે કે રાજ્યના ગૃહવિભાગમાં અત્યારે પણ ગ્રેડ પેને આખરી ઓપ આપવાની કામગીરી ચાલી રહી છે. જેમા સોમવારે મોડી સાંજે આ ગ્રેડ-પેને લગતો જી.આર જાહેર કરી દેવામાં આવશે. જેમા જ્યારથી રાજ્ય સરકાર દ્વારા ગ્રેડ પેની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારથી જ તેને અમલી ગણવામાં આવશે અને ચાલુ મહિનાના પગાર સાથે જ પોલીસકર્મીઓને નવા ગ્રેડ-પે પ્રમાણે વેતન આપવામાં આવશે.

આપને જણાવી દઈએ કે રાજ્યના પોલીસ વિભાગના જવાનોએ ગ્રેડ-પે વધારવા બાબતે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવ્યુ ત્યારબાદ તમામ જિલ્લાઓમાં પોલીસ ગ્રેડ-પે વધારવા આંદોલન કરવામાં આવ્યુ હતુ. અમદાવાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હાર્દિક પંડ્યા નામના કોન્સ્ટેબલે વિધાનસભાના પગથિયા પર બેસી પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન શરૂ કર્યુ હતુ. ધીમે ધીમે આ આંદોલન રાજ્યવ્યાપી બન્યુ અને સમગ્ર રાજ્યમાં ફેલાયુ હતુ. આ આંદોલન બાદ રાજ્યના ગૃહવિભાગે નાણાંવિભાગ સાથેની બેઠક બાદ રાજ્ય સરકાર દ્વારા એલાઉન્સ વધારવાની જાહેરાત કરવામાં આવી હતી.

ઈનપુટ ક્રેડિટ-હરિશ ગૂર્જર- અમદાવાદ

Next Video