GANDHINAGAR : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અને વિધાનસભ્યોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ અંગે વિચારગોષ્ઠીમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિનો મજબૂત વિકલ્પ પદ્મશ્રી સુભાષ પાલેકર (subhash palekar)પ્રેરિત પ્રાકૃતિક કૃષિ (Natural farming) બની શકે તેમ છે. આ પદ્ધતિથી કૃષિ ઉત્પાદન ઘટતું નથી. જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. દેશી ગાયોનું જતન-સંવર્ઘન થાય છે.રાજભવન,ગાંધીનગર ખાતે યોજાયેલી વિચારગોષ્ઠીમાં વિધાનસભા અધ્યક્ષા સાથે વિધાનસભ્યો સજોડે ઉપસ્થિત રહ્યા હતા. અને રાજ્યમાં કૃષિના જનઅભિયાન સંદર્ભે વિચારગોષ્ઠીમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના કર્મઠ નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી રાજ્યમાં બે લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિના અભિયાનમાં જોડાયા છે, ત્યારે જનપ્રતિનિધિઓ પણ પોતાના વિસ્તારમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે , પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થશે. દેશી ગાયનું જતન-સંવર્ધન થશે, કૃષિ-ખર્ચ ઘટશે અને ઉત્પાદનોની યોગ્ય કિંમત મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ સમૃદ્ધ બનશે, જમીનની ફળદ્રુપતા વધશે અને પાણીની બચત થશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી રાસાયણિક ખાતરો પાછળની સબસીડી ઘટશે એટલું જ નહીં લોકોને ઝેરમુક્ત સ્વાસ્થ્યપ્રદ આહાર પણ ઉપ્લબ્ધ બનશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યુ હતું કે, પદ્મશ્રી સુભાષ પાલેકર (subhash palekar) પ્રેરિત પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીની મદદથી તૈયાર થતા જીવામૃત અને ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે. અને અળસિયાં જેવા મિત્રો જીવોની પણ વૃદ્ધિ કરે છે. સરવાળે ખેતરના પાકને પૂરતું પોષણ મળે છે અને ઉત્પાદન વધે છે. રાજ્યપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિ વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોડલ સ્ટેટ બની પ્રેરણારુપ કાર્ય કરશે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ આધારિત જિલ્લો જાહેર કરવાનો સંકલ્પ લીધો છે. એટલું જ નહીં ગાંધીનગર ખાતે સેક્ટર -21 શાક-માર્કેટમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેનું કેન્દ્ર પણ શરુ કરાયું છે. અને રાજ્યના પ્રત્યેક જિલ્લા મથકે આવા વેચાણ કેન્દ્રો ઉભા કરાશે, જેથી ખેડૂતોને માર્કેટ મળી રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ પણ સાકાર થશે.
વિચારગોષ્ઠીની શરુઆતમાં હિમાચલ પ્રદેશના પ્રાકૃતિક કૃષિ –ખુશહાલ કિસાન યોજનાના એક્ઝીક્યૂટીવ ડાયરેક્ટર અને કૃષિ વૈજ્ઞાનિક રાજેશ્વરસિંહ ચંદેલે પ્રાકૃતિક કૃષિને સમયની માગ ગણાવી હતી. હિમાચલ પ્રદેશમાં આજે 1.39 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, એટલું જ નહીં, પ્રાકૃતિક કૃષિ કરનારા હિમાચલ પ્રદેશના ખેડૂતોની આવકમાં રાસાયણિક કૃષિની સરખામણીમાં 27 ટકા વધારો થયો છે અને કૃષિ ખર્ચમાં 53 ટકા ઘટાડો થયો છે.
આ વિચારગોષ્ઠીમાં વિધાનસભાના અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય સહિતના ધારાસભ્યો સજોડે ઉપસ્થિત રહ્યા હતા અને વિચારગોષ્ઠીમાં સહભાગી બન્યા હતા. આ અવસરે પૂર્વ મંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવાઓએ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના પ્રદર્શનને પણ નીહાળ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો સ્વાદ પણ માણ્યો હતો.
આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે
આ પણ વાંચો : રીક્ષાચાલકોનું અલ્ટીમેટમ, CNG અંગે 7 દિવસમાં હકારાત્મક જવાબ નહી તો દિવાળી બાદ રાજ્યભરમાં હડતાળ કરશે