Gram Panchayat Elections : ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી

|

Nov 12, 2021 | 4:38 PM

આવતા ડીસેમ્બર મહિનામાં રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે અને આ સાથે જ રાજ્યની આશરે 1000 જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ યોજાશે.

GANDHINAGAR : રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આવતા ડીસેમ્બર મહિનામાં રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે અને આ સાથે જ રાજ્યની આશરે 1000 જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી બંને ડીસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે. અપૂરતા EVMને કારણે ચૂંટણી પંચે આ ચૂંટણીઓ બેલેટ પેપેરથી કરવાની યોજના બનાવી છે. રાજ્યના ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી અઠવાડિયે ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે.

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

સરપંચ ગ્રામ પંચાયતના મુખિયા ગણાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગ્રામ પંચાયત માટે સરપંચ, ઉપસરપંચ, તથા સભ્યો પાંચ વર્ષ માટે ચુંટાય છે. ગ્રામ પંચાયત 8 થી 16 સભ્યોની બનેલી હોય છે. ગ્રામ પંચાયતમાં એક સરકારી કર્મચારી – તલાટી-કમ-મંત્રી પણ હોય છે, જેને ગ્રામ પંચાયતનો હિસાબ રાખવો, કર ઉઘરાવવો, દાખલા આપવા વગેરે જેવા કાર્યો કરવાના હોય છે.

ગ્રામ્ય કક્ષાના પ્રશ્નોના ઉકેલ, ગ્રામ્ય કક્ષાએ વહીવટી માળખું તથા વિકાસની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારની યોજનાઓના લાભો ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત મારફત આપવામાં આવે છે. જેવી કે, સંપૂર્ણ ગ્રામીણ સ્વરોજગાર યોજના, ખાસ રોજગાર યોજના, ઇન્દિરા આવાસ યોજના, ગ્રામીણ સ્વચ્છતા યોજના, ગોકુળ ગ્રામ યોજના, સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના વગેરે. ગ્રામ પંચાયતમાં અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન ગ્રામસભા યોજવામાં આવે છે, જેમાં ગામને લગતાં પ્રશ્નોનો તાત્કાલિક અમલ કરવા ચર્ચા કરવામાં આવે છે.

આ પણ વાંચો : સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી પાડી, ભાવનગરના એક શખ્સની ધરપકડ, જાણો કેવી રીતે બનાવતો હતો ડ્રગ્સ

આ પણ વાંચો : નામ બડે ઔર કામ છોટે : સુરતની ખાનગી હોસ્પિટલે નજીવો વાંધો ઉઠાવી મૃતકની ડેડબોડી 30 કલાક સુધી પરિવારને ન સોંપી

 

Published On - 4:37 pm, Fri, 12 November 21

Next Video